(એજન્સી) પીલીભીત, તા.૨૨
કોઈ વિવાદને કારણે મહિલાના દિયરને નિર્દયતાથી માર મારી રહ્યા હતા ત્યારે પોતાના સગાઓને બચાવવાનો પ્રયાસ કરનારી ૨૯ વર્ષીય દલિત મહિલાના ગામલોકોએ કપડાં ફાડી નાખ્યા હતા. ફરિયાદ બાદ છ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ખેરી પોલીસ સ્ટેશન હેઠળના એક ગામની પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીઓએ તેના પર પણ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો જેના કારણે તેના જમણા હાથ પર ઊંડા ઘા થયા હતા. મહિલાને બચાવવા માટે દરમિયાનગીરી કરનાર વ્યક્તિ પર કાતરથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના મુદ્દે FIR દાખલ કરવામાં આવી હતી. એસએચઓ સંતોષ કુમાર સિંહે જણાવ્યું હતું કે આરોપીઓ વિરૂદ્ધ બીએનએસ કલમ ૧૯૧ (૨) (હુલ્લડો), ૧૯૧ (૩) (હુલ્લડો, ઘાતક હથિયારથી સજ્જ હોવું), ૧૧૫ (૨) (સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી), ૩૫૨ (શાંતિ ભંગ કરવાના ઈરાદાથી જાણી જોઈને અપમાન કરવું), ૭૬ (મહિલા પર હુમલો અથવા તેના કપડાં ઉતારવાના ઈરાદાથી ગુનાહિત બળનો ઉપયોગ કરવો) અને એસસી/એસટી એક્ટની કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. એસએચઓએ જણાવ્યું હતું કે આરોપીઓ ફરાર છે.