(એજન્સી) આગ્રા, તા.૨૨
ડિસેમ્બર ૨૦૧૮માં આગ્રાની એક કોર્ટે ૧૫ વર્ષની દલિત છોકરીને તેની મોટી બહેનની સામે સળગાવી દેવા બદલ બે પુરૂષોને આજીવન કેદની સજા ફટકારી છે. મુખ્ય આરોપી, પીડિતાના ૨૫ વર્ષીય પિતરાઈ ભાઈએ તેના મૃત્યુની જાણ થતાં આત્મહત્યા કરી લીધી. ચુકાદા પછી પીડિતાની માતાએ કહ્યું, ‘અમે ખુશ છીએ પણ સંતુષ્ટ નથી. આરોપીને મૃત્યુદંડ આપવો જોઈતો હતો. મારી સૌથી નાની પુત્રી, જે તે સમયે માત્ર નવ વર્ષની હતી, હજુ પણ તેની મોટી બહેનની હત્યાથી આઘાતમાં છે. અમે દોષિતો માટે મૃત્યુદંડની માંગણી માટે હાઇકોર્ટમાં જવાની યોજના બનાવી રહ્યા છીએ.’ સરકારી વકીલ સત્ય પ્રકાશ ધાકડે જણાવ્યું હતું કે, ‘છોકરી, ધોરણ ૧૦ની વિદ્યાર્થિની, તેની ૧૯ વર્ષની બહેન સાથે શાળાએથી પરત ફરી રહી હતી ત્યારે માલપુરા પોલીસ સ્ટેશન નજીક બે બાઇક સવાર માણસોએ તેના પર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધી.’ તે ૭૦% દાઝી ગઈ હતી અને તેને આગ્રાની એસએન મેડિકલ કોલેજ લઈ જવામાં આવી હતી. બાદમાં તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ૨૦ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ તેનું મૃત્યુ થયું. ફરિયાદીએ જણાવ્યું હતું કે,‘તપાસમાં જાણવા મળ્યું હતું કે પીડિતાના પિતરાઈ ભાઈએ તેની પ્રગતિમાં તે રૂકાવટ બનવા બાદ તે ગુસ્સે ભરાયો હતો. તેણે ૧૫,૦૦૦ રૂપિયા માટે તેને મારવા માટે બે માણસો, વિજય સિંહ (૨૪) અને આકાશ કુમાર (૨૫)ને સોપારી આપી હતી. તેણે ગુનામાં વપરાયેલ મોટરસાયકલ, પેટ્રોલ અને લાઇટર પૂરું પાડ્યું હતું,’. ‘આરોપીઓ પર આઈપીસી કલમ ૩૦૨ (હત્યા), ૩૨૬એ (એસિડ અથવા સમાન પદાર્થોનો ઉપયોગ કરીને ગંભીર ઈજા પહોંચાડવી), ૨૦૧ (પુરાવાનો નાશ કરવો) અને ૧૨૦બી (ગુનાહિત કાવતરું) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. પીડિતાની મોટી બહેન સહિત ૨૬ વ્યક્તિઓના પુરાવા અને જુબાનીઓના આધારે વધારાના જિલ્લા ન્યાયાધીશ નીતિન ઠાકુરે તેમને દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી, સાથે સાથે ૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો.’