આ ઘટનામાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા
(એજન્સી) તા.૧
પોલીસે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના રાસરામાં મેરેજ હૉલમાં લગ્ન સમારોહ યોજવા બદલ એક દલિત પરિવાર પર લાકડીઓ અને સળિયાથી સજ્જ ટોળાં દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રથમ માહિતી અહેવાલ (એફઆઈઆર) અનુસાર, હુમલાખોરોએ હુમલો કરતા પહેલા એવી રાડો પાડી હતી કે, ‘દલિત સમુદાયના હોવાથી, તમે હોલમાં લગ્ન કેવી રીતે યોજી શકો છો ?’ આ ઘટનાના સંદર્ભમાં અત્યાર સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. પીડિતોમાંના એકના ભાઈ રાઘવેન્દ્ર ગૌતમ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં જણાવાયું છે કે લાકડીઓ અને સળિયાથી સજ્જ લગભગ ૨૦ વ્યક્તિઓના જૂથે રાત્રે આશરે ૧૦ઃ૩૦ વાગ્યે સ્વયંવર મેરેજ હોલમાં ધસી આવી અને લગ્નમાં હાજર રહેલા લોકો પર હુમલો કર્યો હતો. આ જૂથનું નેતૃત્વ અમન સાહની, દીપક સાહની, રાહુલ અને અખિલેશ, મલ્લાહ ટોલી વિસ્તારના ૧૫-૨૦ અન્ય અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આરોપીઓએ જાતિ આધારિત અપશબ્દો પણ બોલ્યા હતા અને દલિત સમુદાયના સભ્યો દ્વારા સમારોહ માટે લગ્ન મંડપનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ગૌતમના સંબંધીઓ, અજય કુમાર અને મનન કાંત, ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમની સારવાર ચાલી રહી છે. ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી)ની સંબંધિત કલમો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. રાસરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિપિન સિંહે પુષ્ટિ આપી હતી કે તપાસ ચાલી રહી છે.