યુપી ચૂંટણી ૨૦૨૭ : કોંગ્રેસ ધાર્મિક રાજકારણ પર પ્રહારો ચાલુ રાખશે, જેમાં ખાસ કરીને ઓબીસી અને દલિતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

૨૦૨૭ની આગામી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે, કોંગ્રેસ ધાર્મિક રાજકારણ, અયોધ્યા સંબંધિત વિવાદો, જાતિગત અત્યાચાર અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ભાજપ સરકારને ઘેરવાની રણનીતિ પર કામ કરી રહી છે, આ અંતર્ગત, પક્ષ રાજ્યભરમાં સંમેલનો અને રેલીઓનું આયોજન કરી રહ્યો છે, જેનો ઉદ્દેશ્ય દલિતો, ઓબીસી અને લઘુમતીઓને એક કરવા તેમજ સામાજિક ન્યાયની ચર્ચાને દરેક ગામ સુધી પહોંચાડવાનો છે

 

(એજન્સી) તા.૨૩
કોંગ્રેસ ધાર્મિક રાજકારણના મુદ્દે ભાજપને સતત ઘેરવાની રણનીતિ પર કામ કરી રહી છે. પક્ષ અયોધ્યામાં રામ મંદિર ફંડમાં કથિત ગોટાળા, ધાર્મિક સ્થળોએ બનતી ઘટનાઓ અને જાતિગત અત્યાચારના કિસ્સાઓને સતત ઉઠાવશે. ભાજપની નિષ્ફળતાઓને ઉજાગર કરવા માટે દરેક રેલી અને સંમેલનમાં આ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે. જોકે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી હજુ નક્કી થઈ નથી, તેમ છતાં કોંગ્રેસે રાજ્યભરમાં સંમેલનો અને રેલીઓ તેજ કરી દીધી છે. ઝાંસી, શાહજહાંપુર, આગ્રા અને મથુરા સહિતના વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો દ્વારા કાર્યકરોને સક્રિય કરવામાં આવી રહ્યા છે. જિલ્લા અને શહેર પ્રમુખોના નેતૃત્વ હેઠળ, પક્ષના હોદ્દેદારોને ચૂંટણી જીતવાની રણનીતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. પક્ષની રણનીતિ દરેક કાર્યક્રમમાં તે જિલ્લાની ઔદ્યોગિક સ્થિતિ અને બેરોજગારીના મુદ્દાઓને ઉઠાવવાની છે. ઉદ્યોગોની કથળેલી સ્થિતિ અને રોજગારીની તકોના અભાવ માટે ભાજપ સરકારને જવાબદાર ઠેરવવામાં આવશે. આ ઉપરાંત, અયોધ્યામાં જમીન ખરીદ-વેચાણ સંબંધિત દસ્તાવેજો અને ધાર્મિક સ્થળોએ સ્થાનિક લોકોના ઉત્પીડન (હેરાનગતિ)ના મામલાઓને પણ સંમેલનોમાં રજૂ કરવામાં આવશે. ધર્મ અને જાતિના આધારે થતા ઉત્પીડનની ફરિયાદોની તપાસ કરવા માટે પક્ષ દ્વારા પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ તપાસના અહેવાલોને રેલીઓ અને સંમેલનોમાં જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ દલિતો, ઓબીસી અને લઘુમતીઓ પર વિશેષ ધ્યાન આપી રહી છે. આ માટે, રાષ્ટ્રીય સ્તરના પદાધિકારીઓને રાજ્યવ્યાપી કાર્યક્રમોમાં ભાગ લેવા સૂચના આપવામાં આવી છે. રવિવારે મથુરાના દામોદરપુરામાં આયોજિત ‘સામાજિક ન્યાય અને ભાગીદારી સંમેલન’ આ રણનીતિનો જ એક ભાગ હતું. સંમેલનમાં, રાજ્ય પ્રભારી રાજેન્દ્ર પાલ ગૌતમે બીએસપી (BSP) સહિત અન્ય પક્ષોની ભૂલો પર પ્રકાશ પાડ્યો અને કોંગ્રેસને દલિતોની હિતેચ્છુ ગણાવી. તેમણે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન દલિતોના અધિકારોને આગળ વધારવા માટે કરવામાં આવેલા પ્રયાસો વિશે પણ વિગતવાર વાત કરી. પછાત વર્ગ વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. અનિલ જયહિંદે બંધારણની રક્ષા, જાતિ આધારિત વસ્તી ગણતરી, અનામત અને વસ્તીના પ્રમાણમાં રાજકીય ભાગીદારી જેવા મુદ્દાઓ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ સામાજિક ન્યાય અને ભાગીદારીની લડાઈને એક રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બનાવી દીધો છે. કોંગ્રેસ આ મુદ્દાને દરેક ગામ સુધી લઈ જશે. મીડિયા વિભાગના અધ્યક્ષ કુંવર સિંહ નિષાદે પછાત, દલિત અને વંચિત સમુદાયોને તેમના અધિકારો માટે એકજૂટ રહેવા આહ્‌વાન કર્યું. તેમણે કહ્યું કે અયોધ્યા બાદ મથુરાએ સામાજિક ન્યાયની રાજનીતિને નવી ઊર્જા આપી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks