(એજન્સી) તા.૮
ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં મંગળવારે સવારે એક દલિત મહિલા અને તેના પતિ પર લાકડીઓ વડે કથિત હુમલો કરવામાં આવ્યો હતો. મહિલાએ સ્થાનિક વ્યક્તિ વિરૂદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યાના થોડા દિવસો બાદ આ ઘટના બની હતી. હુમલામાં બંને ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીડિતાના પરિવારે આક્ષેપ કર્યો છે કે કેટલાક લોકોએ દંપતી પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો અને આ ઘટના મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલા બળાત્કારના કેસ સાથે જોડાયેલી હતી. મહિલાના જણાવ્યા અનુસાર, ગામના એક વ્યક્તિ સાથે તેનો જમીનનો વિવાદ હતો. વિવાદ ઉકેલવામાં મદદ મેળવવા માટે તે ગામના એક પ્રભાવશાળી વ્યક્તિ પાસે ગઈ હતી. મહિલાએ આરોપ લગાવ્યો કે તેને કોઈ પદાર્થ આપવામાં આવ્યો હતો જેનાથી તે બેભાન થઈ ગઈ હતી અને તે વ્યક્તિએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેની ફરિયાદ બાદ કોર્ટના આદેશથી કેસ નોંધવામાં આવ્યો હતો અને હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે. પીડિતાના પરિવારે આરોપ લગાવ્યો છે કે બળાત્કારનો કેસ નોંધાયા બાદ આરોપી પક્ષ તેમના પ્રત્યે દુશ્મનાવટ રાખવા લાગ્યો હતો. મંગળવારે સવારે, તે વિવાદને લઈને કેટલાક લોકોએ મહિલા અને તેના પતિ પર લાકડીઓ વડે કથિત હુમલો કર્યો હતો. બંનેને ઈજાઓ થઈ હતી અને બાદમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.