ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની હોમ પીચ ગોરખપુરમાં ભાજપના સાંસદો અને ધારાસભ્યો એક રોડ પ્રોજેક્ટનું સુપરવિઝન કરનાર આસિસ્ટન્ટ એન્જિનિયરની બદલીના મામલે સામસામે આવી ગયાં છે.
શરુઆતમાં આંતરીક વિવાદથી થઇ હતી જે વરવી લડતમાં ફેરવાઇ હતી. તંગદિલી વધતા ધારાસભ્યોએ એક બીજાના રાજીનામાની માગણી કરી હતી. ચૂંટણીમાં એક બીજાને જોઇ લેવાના પડકાર ફેંકવામાં આવ્યાં હતાં અને અંગત અપમાન કરવામાં આવ્યું હતું. ઉ.પ્ર. ભાજપે ગોરખપુરના ધારાસભ્ય રાધામોહન દાસ અગ્રવાલને તેમની સોશિયલ મીડિયા પોસ્ટ માટે કારણદર્શક નોટિસ આપવામાં આવી હોવા છતાં હજુ આક્રમક શાબ્દિક યુદ્ધ ચાલુ છે. પક્ષના ધારાસભ્યો અને કાર્યકરો બે છાવણીમાં વેચાઇ ગયાં છે. આની શરુઆત ઉ.પ્ર. વિધાનસભાના ટૂંકા ત્રણ દિવસના સત્ર દરમિયાન થઇ હતી જ્યારે ગોરખપુરના ધારાસભ્ય અગ્રવાલે એક રસ્તાનો મુદ્દો ઉઠાવીને એવો દાવો કર્યો હતો કે આ રસ્તો તેમના મતક્ષેત્રમાં કેટલીક રહેણાંક વસાહતમાં જળબંબાકારની સ્થિતિ સર્જે છે. આ માટે તેમણે પીડબલ્યુડીના આસિસ્ટન્ટ એન્જિનિયર કે કે સિંહને જવાબદાર ગણાવ્યાં હતાં. ત્યાર બાદ અગ્રવાલ નાયબ મુખ્ય પ્રધાન અને જાહેર બાંધકામ પ્રધાન કેશવપ્રસાદ મૌર્યને મળ્યાં હતાં કે જેમણે કે કે સિંહની બદલી ગોરખપુરથી કરી હતી અને ધારાસભ્યની વિનંતી પર તેમને વડા મથક પર મૂકવામાં આવ્યાં હતાં. નાયબ મુખ્ય પ્રધાનનો આ નિર્ણય ગોરખપુરના સાંસદ રવિકિશનને પસંદ પડ્યો નહીં. તેમણે મૌર્યને પત્ર લખીને જણાવ્યું હતું કે તેમના આદેશ પર આ રસ્તો ઊભો કરવામાં આવ્યો હતો. આસિસ્ટન્ટ એન્જિનીયરની બદલીથી આ પ્રોજેક્ટ વિલંબમાં પડશે એવો પણ દાવો કર્યો હતો. તેમણે આસિસ્ટન્ટ એન્જિનિયરની કામગીરીની પ્રશંસા પણ કરી હતી. ત્યાર બાદ ૨૫, ઓગસ્ટના રોજ ભાજપના ચાર ધારાસભ્યોએ લખેલ પત્ર સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો જેમાં તેમણે નાયબ મુખ્ય પ્રધાન મૌર્યને એન્જિનિયરની મૂળ જગ્યાએ ફરીથી બદલી કરવા વિનંતી કરી હતી. આખરે આ બાબતે ભાજપના સાંસદો અને ધારાસભ્યો વચ્ચે ગજગ્રાહ ચાલ્યો હતો અને ભગવો પક્ષ બે છાવણીમાં વેચાઇ ગયો હતો.
છેવટે આ મામલામાં ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન આદિત્યનાથને દરમિયાનગીરી કરવી પડી હતી અને ૩૦, ઓગસ્ટના રોજ તેઓ સરકીટ હાઉસ ખાતે પક્ષના નેતાઓને મળ્યાં હતાં. સ્થાનિક અખબારોના અહેવાલ અનુસાર મુખ્ય પ્રધાને તમામ નેતાઓને વિકાસકીય કાર્યો પર ધ્યાન કેન્દ્રીત કરવા અને વધુ વિવાદ ટાળવા અનુરોધ કર્યો હતો. ગોરખપુરના સાંસદ રવિકિશન અને ધારાસભ્ય રાધામોહન દાસે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન દરેકને સંગઠિત રહેવા અને રચનાત્મક સંવાદ કરવા અપીલ કરી છે. મુખ્ય પ્રધાનની દરમિયાનગીરી છતાં નેતાઓ વચ્ચેનું આ ઘર્ષણ હજુ શાંત થાય તેવી શક્યતા જણાતી નથી. આ ઘર્ષણને ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં જોવી જોઇએ. આમ ગોરખપુરમાં ભાજપમાં જ નવા સમીકરણો રચાઇ રહ્યાં છે તેમાંથી કોને લાભ થશે તે જોવાનું છે. (સૌ. : ધ વાયર.ઇન)