(એજન્સી)
ફિરોઝાબાદ, તા.ર૩
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સભામાં જિલ્લામાંથી લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. ઉજ્જવલા યોજના હેઠળ લાભ લેવા માંગતી મહિલાઓને બોલાવાઈ હતી. મુસ્લિમ મહિલાઓ પણ કાર્યક્રમકમાં પહોંચી પણ કાર્યક્રમના સ્થળે પહોંચતા પહેલાં જ બુરખાઓ પહેરી આવેલ મુસ્લિમ મહિલાઓને ગેટ ઉપર જ બુરખો ઉતારવા કહેવામાં આવ્યું તે પછી જે એમને અંદર કાર્યક્રમ સ્થળ ઉપર જવા દેવાઈ. ભારતીય મુસ્લિમ વિકાસ પરિષદ નામની સંસ્થાએ કહ્યું છે કે, આ કામમાં પોલીસ અને મુખ્યમંત્રીની સુરક્ષામાં લાગેલ એજન્સીઓ સામેલ હતી. આ સંગઠનના ચેરમેન અને સચિવે કહ્યું છે કે, આ માટે સુરક્ષા એજન્સીઓએ લેખિતમાં માફી માંગવી જોઈએ કારણ કે મુસ્લિમ મહિલાઓ સાથે થયેલ વહેવાર અશોભનીય છે. સંસ્થાના ચેરમેન શમી અધાઈએ કહ્યું આના માટે મુખ્યમંત્રીએ પણ દુઃખ પ્રકટ કરવું જોઈએ. અન્યથા એવું માનવામાં આવશે કે મહિલાઓ સાથે જે થયું એમાં મુખ્યમંત્રીની સંમતિ હતી. પરિષદે કહ્યું વડાપ્રધાન મોદી અને યોગી બન્ને સબકા સાથ સબકા વિકાસની વાતો કરે છે પણ બન્ને નેતાઓ મુસ્લિમ સમુદાય વિરૂદ્ધ નફરત ફેલાવનાર લોકો સામે કંઈ કરતા નથી. આ પ્રકારની ઘટનાઓથી સરકારની છબી જ ખરડાય છે. શમી અધાઈએ કહ્યું કે આ બાબત વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે અને સખ્ત કાર્યવાહીની માગણી કરી છે. જો કાર્યવાહી નહીં કરવામાં આવશે તો અમે આંદોલનનો માર્ગ અપનાવીશું.