ડો. કફીલખાનનું ભાષણ નફરત અને હિંસાને ફેલાવનાર નહીં પરંતુ રાષ્ટ્રીય અખંડિતતા અને લોકો વચ્ચેની એકતાને પ્રોત્સાહન આપનારૂં છે : અલ્હાબાદ હાઈકોર્ટનું અવલોકન
(એજન્સી) તા.૧
અલ્હાબાદ હાઈકોર્ટે ડો.કફીલખાનને મોટી રાહત આપતા તેમના વિરૂદ્ધ એનએસએ હેઠળ લાગુ કરવામાં આવેલા આક્ષેપોને રદ કરી દીધા હતા. આ સાથે જ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે ડો. ખાનને તાત્કાલિક જેલમાંથી છોડી મુકવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ડો. કફીલખાન ર૯ જાન્યુઆરી ર૦ર૦થી ઉત્તરપ્રદેશના મથુરાની જેલમાં કેદ છે. ડો. કફીલખાન પર ૧૦ ડિસેમ્બર ર૦૧૯ના રોજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે યોજાયેલા સીએએ વિરોધી દેખાવો દરમ્યાન ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ છે. અલ્હાબાદ હાઈકોર્ટે ડો. કફીલખાનની માતાએ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરતા ડો. કફીલખાનને તાત્કાલિક મુકત કરવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટના મધ્યમાં જ યુપી સરકારે ડો. કફીલખાનની કસ્ટડી વધુ ત્રણ મહિના માટે વધારી દીધી હતી. કથિત ઉશ્કેરણીજનક ભાષણના કેસમાં ડો. કફીલખાન ૧૦ ફેબ્રુઆરીએ મુકત થવાના હતાં. ત્યારે જ ઉત્તરપ્રદેશ સરકારે તેમના પર નેશનલ સિકયુરિટી એકટ (એનએસએ) હેઠળ કેસ દાખલ કર્યો હતો. સરકારે ડો. કફીલખાનના ભાષણને ઉશ્કેરણીજનક ગણાવ્યું હતું પરંતુ સુનાવણી દરમ્યાન અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે ડો. કફીલખાનનું ભાષણ હિંસા અથવા નફરત ફેલાવનાર ન હતું પરંતુ તે રાષ્ટ્રીય અખંડિતતા અને નાગરિકો વચ્ચે એકતાને વધારનારૂં હતું. નોંધનીય છે કે, ડો. કફીલખાને તેમના વિરૂદ્ધ એનએસએ હેઠળ નોંધવામાં આવેલા કેસને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો. ૧૧ ઓગસ્ટના રોજ ડો. કફીલખાનની અરજી પર સુનાવણી કરતા આદેશ આપ્યો હતો કે હાઈકોર્ટમાં પેન્ડિંગ રહેલી ડો. કફીલખાનની અરજી પર ૧પ દિવસમાં સુનાવણી કરવામાં આવે. ડો. કફીલખાનના ભાઈ આદિલખાને કહ્યું હતું કે હું આ ચુકાદાનું સ્વાગત કરૂં છું અને હાઈકોર્ટને અભિનંદન આપું છું. આ ચુકાદો ઐતિહાસિક છે. અલ્હાબાદ હાઈકોર્ટની બેંચે એનએસએ હેઠળ ડો. ખાનની કસ્ટડી બે વાર લંબાવવાના નિર્ણયને પણ અયોગ્ય ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ ર૦૧૭માં ગોરખપુરની બી.આર.ડી. મેડિકલ કોલેજમાં ઈસેફેલાઈટિસ અને ઓકિસજનની અછતના કારણે ૬૦થી વધુ બાળકોના મૃત્યુ થયા હતા તે દરમ્યાન આ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા ડો.કફીલખાને સ્વપ્રયત્ને અને સ્વખર્ચે ઓકિસજનની વ્યવસ્થા કરી અનેક બાળકોના જીવ બચાવ્યા હતા.