(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૩
ભાઈ-બહેનના પવિત્ર સ્નેહસંબંધને ઉજાગર કરતા રક્ષાબંધનના પર્વ પ્રસંગે દરેક ઘરમાં ઉલ્લાસ છવાયો હોય છે, પરંતુ હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીભાઈઓ પોતાની બીમારીના કારણે ઘરથી દૂર હોય છે. ત્યારે સુરતની સ્મીમેર હોસ્પિટલની મહિલા તબીબ અને નર્સિંગ બહેનોએ કોરોનાગ્રસ્ત દર્દીઓની બહેન બની તેમની સૂની કલાઈઓને રાખડીઓથી ભરી દીધી હતી. રક્ષાબંધન પર્વએ દર્દીઓને બહેનોની ખોટ ન સાલે તે માટે પરંપરાગતગત રીતે કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી રાખડી બાંધી હતી. નર્સ બહેનોના પ્રેમાળ વ્યવહારથી દર્દીઓ ભાવુક થયા હતા, આંખોમાં આંસુ સાથે નર્સ બહેનોને મૂક આશીર્વાદ આપ્યા, ત્યારે સ્મીમેરના કોવિડ વોર્ડમાં ભાવસભર દ્રશ્યો સર્જાયા હતા. નર્સ અને તબીબ બહેનોએ દર્દીઓને રક્ષાસૂત્ર બાંધી તેમના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી હતી. તેમણે એકસૂરે કહ્યું કે, ‘રક્ષાબંધનમાં ઘરે ન જઈ શક્યા, પરંતુ કોરોનાગ્રસ્ત ભાઈઓને રાખડી બાંધી તેનો અનેરો આનંદ છે. દર્દીઓને બહેનો પણ ભાઈની ખોટ અનુભવતી હશે, જેથી અમે ઈચ્છીએ છીએ કે, દર્દીઓ ઝડપભેર કોરોનાને મ્હાત આપી તેમના પરિવારજનોને જલ્દી મળી શકે. દર્દીઓને સ્વસ્થ કરી અમે તેમના પરિવારજનોને ખુશી આપી શકીએ તો એનાથી મોટું ખુશીનું પર્વ અમારા માટે બીજું કોઈ નથી. કોરોનાગ્રસ્તોની બહેનોની નવી ભૂમિકા અદા કરનાર નર્સ અને મહિલા ડૉક્ટરોએ દર્દીઓને રક્ષાબંધનની સ્વપ્નવત લાગતી ઉજવણીને ખરા અર્થમાં સાર્થક કરી છે.