(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.ર૪
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી આઈસર ટ્રક-કન્ટેનર પર ડાક પાર્સલ અને ભક્તિભાવના સૂત્રો લખી પોલીસની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરનાર હરિયાણાના બુટલેગરનો વિદેશી દારૂ ઘૂસાડવાનો પ્રયત્ન નિષ્ફળ બનાવી ૧૫.૯૬ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને દબોચી લીધા હતા.
સોમવારે રાત્રીના સુમારે, શામળાજી પીએસઆઈ સંજય શર્મા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરી હતી. રાજસ્થાન તરફથી આવતા આઈસર ટ્રક-કન્ટેનરને અટકાવી તલાસી લેતા ટ્રક (ગાડી.નં.એચચાર-૫૫-જે-૭૩૩૦)માંથી વિદેશી દારૂની પેટી નંગ-૩૨૦ કુલ બોટલ નંગ-૩૮૪૦ કિં.રૂા.૧૫,૯૬,૦૦૦નો જથ્થો જપ્ત કરી રાહુલ શિવકુમાર ચમાર અને સુરેન્દ્ર ધનપત ચમાર (રહે. બવાના, હરિયાણા)ની ધરપકડ કરી ટ્રકની કિં.રૂા.૮,૦૦,૦૦૦ તથા મોબાઈલ નંગ-૨ કિં.રૂા.૧૫૦૦ મળી કુલ રૂા.૨૩,૯૭,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર હરિયાણા બુટલેગર વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.