રાજકોટ અગ્નિકાંડ મામલે સરકારના જવાબથી નારાજ સુપ્રીમે ફરી ઝાટકણી કાઢી અગ્નિકાંડમાં તથ્યોને દબાવો નહીં, ફરી સોગંદનામું રજૂ કરો : સુપ્રીમ

 

અમદાવાદ, તા.૧
રાજકોટમાં કોવિડ હૉસ્પિટલમાં આગ લાગવા સાથે જોડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ફરી ઝાટકણી કાઢી છે. સુપ્રીમે કહ્યું કે, સરકાર રાજકોટ આગકાંડ વિશે તથ્યોને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતના જવાબથી નાખુશ સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યને તથ્યોને દબાવવા ન જોઈએ. સાચા તથ્યોની સાથે એક નવું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપવો પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આપના જણાવ્યા અનુસાર બધું સારૂં છે, પરંતુ વલણ વાયરિંગના મામલે પોતાના ચીફ ઇલેક્ટ્રિકલ એન્જિનયરના રિપોર્ટથી વિપરિત છે. તમે માત્ર તપાસ પંચને રચીને ખુશ છો. આ મામલામાં ગુજરાત સરકાર વ્યવસ્થિત રીતે સોગંદનામું દાખલ કરે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને અનુરોધ કર્યો કે આ મામલામાં રસ લે અને યોગ્ય રિપોર્ટ દાખલ કરે. આ કેસની આગામી સુનાવણી ગુરૂવારે થશે. રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગના કારણે ૬ દર્દીઓનાં મોત થયા હતા. અગાઉની સુનાવણીમાં કોવિડ હૉસ્પિટલમાં આગ લાગવાના કારણે થયેલા મોતની ઘટના પર સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લેતાં સુનાવણી શરૂ કરી હતી અને આવી ઘટનાઓ પર અંકુશ લગાવવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની નિષ્ફળતા પર આકરી નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્યો પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે સતત આવી ઘટનાઓ બનતી હોવા છતાંય આ સમસ્યાને રોકવા માટે કોઈ મજબૂત પગલાં નથી ઉઠાવવામાં આવ્યા. સુપ્રીમની બેન્ચે કહ્યું હતું કે આ કંપાવી દેનારી ઘટના છે. આ ખૂબ જ ગંભીર મામલો છે અને પહેલા પણ આવી ઘટનાઓ બની ચૂકી છે અને આ સરકારી હૉસ્પિટલોની સ્થિતિ દર્શાવે છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચમાં આ કેસની સુનાવણી કરવામાં આવી હતી. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું છે કે, ગુજરાતમાં હોસ્પિટલમાં વાંરવાર આગ લાગવાની ઘટના બની રહી છે અને તેમાં રાજ્ય સરકાર દ્વારા માત્ર કમિટી બનાવવા સિવાય કોઈ પગલાં લેવામાં આવતા નથી. જસ્ટિસ શાહે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, સરકારના રિપોર્ટ પ્રમાણે હોસ્પિટલોમાં બધુ સલામત છે. જ્યારે હકીકત રિપોર્ટ કરતાં અલગ છે અને જે સામે આવવી ખૂબ જરૂરી છે. તમારો રિપોર્ટ તમારા ચીફ ઈલેક્ટ્રિકલ એન્જિનીયર કરતા અલગ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ગત સપ્તાહે કોવિડ હોસ્પિટલમાં ભયાનક આગ ફાટી નિકળી હતી. જેમાં પાંચ લોકોના મોત થયા હતા. સુપ્રીમ કોર્ટે આ ઘટનાને ધ્યાનમાં લઈને સુનાવણી હાથ ધરી કરી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આ પ્રકારની ઘટનાઓ રોકવા કેન્દ્ર અને રાજ્ય સરકારને મળેલી નિષ્ફળતા સામે નારાજગી વ્યક્ત કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks