રાજપીપળા, તા.૩૦
એક ટ્યુશન ક્લાસના સંચાલક દ્વારા પોતાને ત્યાં જ ટ્યુશને આવતી એક વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાવતા એક કિસ્સા મામલે રાજપીપળાની કોર્ટે ટ્યુશન સંચાલકને ૧ વર્ષની સાદી કેદ અને ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજપીપળામાં રહેતા કેયુર પ્રવિણચંદ્ર ગાંધી આલ્ફા ટ્યુશન ક્લાસના નામે એક ખાનગી ટ્યુશન ચલાવતો હતોે. કેયુર ગાંધીએ વર્ષ ૧૭/૧૦/૨૦૧૦માં એના જ ટ્યુશનમાં આવતી ધોરણ-૯ની વિદ્યાર્થિનીને પોતાના ઘરના ત્રીજા માળની બારી બંધ કરવા મોકલી હતી. બાદ એ ટ્યુશન સંચાલકે પાછળથી આવી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. બાદ ભોગ બનનાર વિદ્યાર્થિનીની માતાએ કેયુર ગાંધી વિરુદ્ધ રાજપીપળા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ નીચલી કોર્ટમાં ચાલી જતા શંકાનો લાભ આપી ૧૯/૪/૨૦૧૬ના રોજ કેયુર ગાંધીને નિર્દોષ છોડી મુકાયો હતો.ત્યાર બાદ આ કેસ ૧૦/૫/૨૦૧૬ ના રોજ રાજપીપળાની એડિશનલ સેસન્સ કોર્ટમાં દાખલ કરાયો હતો. આ કેસ રાજપીપળાની એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા રજુ કરેલ ચુકાદાઓ તથા પુરાવાઓને ધ્યાને રાખી કોર્ટે કેયુર પ્રવીણચંદ્ર ગાંધીને કલમ ૩૫૪ હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો અને એને ૧ વર્ષની સાદી કેદ તથા ૫૦૦૦ રૂપિયાનો દંડ ફાટકારતો ચુકાદો આપ્યો હતો. જો કે આરોપી કેયુર ગાંધીને હાઈકોર્ટમાંથી જામીન મેળવવાની શરતે રાજપીપળા કોર્ટે ૩૦ દિવસના જામીન આપ્યા હોવાનું જાણવા મળે છે.