રાજપીપળાની સરકાર સંચાલિત શાળાની ૧પ૦ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયું

(સંવાદદાતા દ્વારા)
રાજપીપળા, તા.૧૧
રાજપીપળા શહેરમાં સરકાર સંચાલિત લો લિટરસીની (એકલવ્ય સ્કૂલ) સ્કૂલની ૧૫૦ વિદ્યાર્થીનીઓને સોમવારે નાસ્તો કર્યા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. બાદ સ્કૂલ સત્તાધીશોએ આ ઘટના મામલે ૧૦૮ અને આરોગ્ય વિભાગને જાણ કરતા તાત્કાલિક ૧૫૦થી વધુ વિદ્યાર્થીનીઓને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. બાદ તેમને પ્રાથમિક સારવાર અપાઈ હતી.
મળતી માહિતી મુજબ રાજપીપળામાં સરકાર સંચાલિત લો લિટરસીમાં(એકલવ્ય સ્કૂલ) ૩૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ હોસ્ટેલની સુવિધા સાથે અભ્યાસ કરે છે. તેમને નિત્યક્રમ મુજબ સોમવારે ચણા અને દુધનો નાસ્તો અપાયો હતો. બાદ એક પછી એક વિદ્યાર્થીનીઓએ સ્કૂલ સંચાલીકાને વોમિટિંગ, માથાનો દુખાવો, પેટ દુખવા અને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. જોત જોતામાં ૧૫૦થી વધુ વિદ્યાર્થીનીઓએ આ ફરિયાદ કરતા સ્કૂલ સંચલિકાએ પ્રથમ ૧૦૮ને અને બાદમાં આરોગ્ય વિભાગને જાણ કરી હતી. બાદ ૪૫થી વધુ વિદ્યાર્થીનીઓને ૧૦૮માં જ્યારે અન્યને જિલ્લા કલેકટર, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓની ગાડીમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા બાદ કુલ ૧૫૦થી વધુ વિદ્યાર્થીનીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જિલ્લા કલેકટર આર.એસ.નિનામા, જિલ્લા આરોગ્ય અધિકારી, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ જતીન વસાવા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા કિરણ વસાવા, ડો.દર્શનાબેન દેશમુખ સહિત અન્ય આગેવાનો રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી વ્યવસ્થાઓમાં લાગી ગયા હતા. આ તમામની વચ્ચે સિવિલ હોસ્પિટલમાં જ્યારે વિદ્યાર્થીનીઓને લવાઈ ત્યારે ત્યાં પૂરતો સ્ટાફ હજાર ન હોવાની બૂમો પણ ઉઠી હતી. જો કે પ્રાથમિક સારવાર બાદ તમામ વિદ્યાર્થીનીઓની હાલતમાં સુધારો આવ્યો હોવાનું તથા કોઈની પણ હાલત નાજુક ના હોવાનું ડોકટરોએ જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં જગ્યાના અભાવે મોટે ભાગની વિદ્યાર્થીનીઓને નીચે લોબીમાં સુવડાવી પ્રાથમિક સારવાર અપાઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks