(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં ગત વર્ષે ૬ ડિસેમ્બરે પશ્ચિમ બંગાળના એક મુસ્લિમ કામદારને કુહાડીનાઘા ઝીકી જીવતો સળગાવી દેવાના વીડિયોને ભયાનક ગણાવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની આગેવાનીવાળી ત્રણ સભ્યોની બેંચમાં જસ્ટિસ એએમ ખાંવલિકર અને જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ પણ સામેલ હતા તેમણે મૃત્યુ પામેલા મોહમ્મદ ભટ્ટા શેખની પત્ની ગુલબહાર બીબીની અરજી પર નોટિસ ફટકારવા ઇચ્છા વ્યક્ત કરી હતી જેમાં તેમણે બર્બરતા પૂર્વક કરાયેલી હત્યામાં નિષ્પક્ષ એસઆઇટી તપાસની માગ કરી છે. બેંચે વીડિયોને ભયાનક ગણાવતા ઉમેર્યું હતું કે, આ અરજી પર ધ્યાન આપવા જેવું છે અને યોગ્ય દિશા નિર્દેશ આપવા જોઇએ. જોકે, ટોચની કોર્ટે કહ્યું કે, અરજી સારી રીતે રજૂ કરાઇ નથી તેથી કોર્ટે વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહને મૃત્યુ પામેલા કામદારની પત્ની તરફે દલીલો કરવા નિર્દેશ આપ્યો હતો અને તેમને યોગ્ય રીતે અરજી રજૂ કરી આગામી સુનાવણી ૨૯મી જાન્યુઆરીએ નક્કી કરી હતી. ઇન્દિરા જયસિંહે જણાવ્યું કે, વીડિયોને અત્યારસુધી લાખો લોકો જોઇ ચૂક્યા છે અને એવા નિર્દેશ પણ કેન્દ્ર તથા રાજ્ય સરકારોને અપાઇ ચૂક્યા છે કે આ વીડિયો ઇન્ટરનેટ પરથી હટાવી લેવું. તેમણે કોર્ટ સમક્ષ એવી પણ માગ કરી હતી કે, ન્યાય મેળવવાની પ્રક્રીય પૂરી કરવા માટે પીડિતને મૌલિક અધિકાર મળવા જોઇએ જોકે, ગેરકાયદે રીતે આરોપીઓની તરફે ન્યાયિક પ્રક્રિયા થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોહમ્મદ અફરાજુલ અથવા મોહમ્મદ ભટ્ટા શેખ નામની પશ્ચિમ બગાળની રાજસ્થાનના રાજસમંદમાં મજૂરી કરતી વ્યક્તિને શંભૂલાલ રાયગર નામના શખ્સે ૬ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ કુહાડીના ઘા ઝીંકી જીવતો બાળી નાખ્યો હતો અને તેની હત્યાનો સંપૂર્ણ વીડિયો બનાવી ઇન્ટરનેટ પર વાઇરલ કરી તેને લવ જિહાદનું નામ આપ્યું હતું. તથા તેણે સોશિયલ મીડિયા પર ચોક્કસ સમાજના લોકોને સ્પષ્ટ રીતે ધમકી પણ આપી હતી.