(એજન્સી) તા.૧૭
૨૯મી જાન્યુ.એ રાજસ્થાનમાં લોકસભાની બે અને વિધાનસભાની એક બેઠક માટે યોજાનારી પ્રતિષ્ઠાવંત પેટા ચૂંટણી જંગ માટે હવે યુદ્ધ રેખાઓ દોરાઇ ગઇ છે અને ભાજપ તેમજ કોંગ્રેસે તેમના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં મુખ્યત્વે રાજ્યના નેતાઓનો સમાવેશ થાય છે જેમાં રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સચિન પાયલટ, પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, રાષ્ટ્રીય મહામંત્રી અવિનાશ પાંડે વગેરેના નામો છે જ્યારે ભાજપની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુંધરા રાજેનો સ્ટાર પ્રચારક તરીકે સમાવેશ થાય છે. પેટા ચૂંટણી જંંગ માટે સ્ટાર પ્રચારક તરીકે વડાપ્રધાનના નામનો ઉલ્લેખ કરાયો છે તે ખરેખર આશ્ચર્યજનક છે. સામાન્યતઃ પેટા ચૂંટણીમાં રાજ્ય નેતાગીરી પ્રચાર અભિયાનની જવાબદારી લેતી હોય છે અને રાષ્ટ્રીય પક્ષની ટોચની નેતાગીરીને સાંકળવામાં આવતી નથી. જો કે એવું લાગે છે કે સત્તા વિરોધી પરિબળ, મરણિયો જંગ લડવાનો નિર્ધાર અથવા વિશ્વાસના અભાવને કારણે ભાજપને પ્રચારકો તરીકે ટોપના નેતાઓના નામનો સમાવેશ કરવો પડ્યો હોય એવું લાગે છે. ભાજપ આ ચૂંટણી માટે અસુરક્ષિત હોય એવું જણાય છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે ભાજપ ગુજરાતની ચૂંટણીમાં તાજેતરમાં જે કંઇ થયું તેના પરથી પાઠ ભણીને હવે કોઇ તક લેવા માગતો નથી. બીજુ ચાર વર્ષ જૂની વસુંધરા રાજે સરકાર સત્તા વિરોધી પરિબળનો સામનો કરી રહી છે અને તેની લોકપ્રિયતા સાવ તળીયે છે. બીજું સરકારમાં જીએસટી અને નોટબંધીના અમલ બાદ લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે. ખાસ કરીને વેપારીઓ અને ખેડૂતોનો રોષ ધુંધવાઇ રહ્યો છે.
ખેડૂતો પણ લોન માફી નહીં થતા આંદોલનના માર્ગે છે. સાથે સાથે ખેડૂતોની આત્મહત્યાઓ પણ વધી રહી છે. બીજુ ભાજપ ગેંગસ્ટર આનંદ પાલની એન્કાઉન્ટરમાં હત્યા અને સંજય લીલા ભણસાળીની વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતીનું નામ બદલીને પદ્માવત રાખવા બદલ રાજપૂત સમુદાયનો રોષ વહોરી લીધો છે. થોડા દિવસ પહેલા રાજપૂત નેતાઓએ પેટા ચૂંટણીમાં કોંગ્રેસને ખુલ્લેઆમ ટેકો જાહેર કર્યો છે.
સચિન પાયલટે જણાવ્યું હતું કે જો વડાપ્રધાન પેટા ચૂંટણીમાં પ્રચાર કરશે તો તે અભૂતપૂર્વ ગણાશે. તે બતાવે છે કે કેન્દ્રીય નેતાગીરીને વસુંધરા રાજે સરકારમાં વિશ્વાસનો અભાવ છે.