રાજસ્થાન : અલવરમાં પોલીસ સ્ટેશનની બહાર મુસ્લિમ વ્યક્તિની હત્યા; પરિવારે તેને ‘હેટ ક્રાઇમ’ (દ્વેષપૂર્ણ ગુનો) ગણાવ્યો

 

પરિવારજનોને આશંકા છે કે, ૪૦ વર્ષીય સાઇકુન ખાનને તેમની મુસ્લિમ ઓળખને કારણે નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યારે રાજસ્થાન પોલીસે સાંપ્રદાયિક કારણ હોવાનો ઇન્કાર કર્યો છે

 

(એજન્સી) જયપુર, તા.૨૯
૨૪ સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનના અલવર જિલ્લામાં બરોડા મેઓ પોલીસ સ્ટેશનની બહાર ૪૦ વર્ષીય મુસ્લિમ વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. તેમના પરિવારે આક્ષેપ કર્યો છે કે, કદાચ તેમની ધાર્મિક ઓળખને કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. બરાવાસ ગામના રહેવાસી સાઇકુન ખાન તે દિવસે સવારે પોતાની મોટરસાઇકલ માટે નવું ટાયર ખરીદવા ઘરેથી નીકળ્યા હતા. તેમણે તેમના પુત્રને કહ્યું હતું કે, તેઓ જલ્દી પાછા ફરશે અને પરિવારના ખેતરમાં વાવેલા ડુંગળીના પાકની સંભાળ લેશે. તેઓ ક્યારેય પાછા ફર્યા નહીં. પરિવારના જણાવ્યા અનુસાર ખાન ગામના જ અન્ય એક વ્યક્તિ સાથે લગભગ ૧૦ કિલોમીટર દૂર આવેલા બરોડા મેઓ ગયા હતા. તે વ્યક્તિને કોઈ કામ માટે ઉતાર્યા બાદ ખાન પોલીસ સ્ટેશન નજીક હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમના પિતા નસરૂ ખાને ‘ધ વાયર’ને જણાવ્યું હતું કે, એક અજાણ્યા વ્યક્તિએ અચાનક સાઇકુનના માથા પર ભારે પથ્થર માર્યો હતો. તેઓ મોટરસાઇકલ પરથી નીચે પડી ગયા હતા અને તેમના પગ વાહનની નીચે ફસાઈ ગયા હતા; ત્યારબાદ હુમલાખોરે એક ધારદાર પથ્થર ઉપાડીને તેમના માથા પર વારંવાર પ્રહાર કર્યા હોવાનું કહેવાય છે. ખાનને પહેલા બરોડા મેઓ સ્થિત સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં અલવરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે બાદમાં આ હત્યાના સંબંધમાં હર્ષ નામના ૨૧ વર્ષીય સ્થાનિક યુવકની ધરપકડ કરી હતી અને તેની સામે હત્યાનો કેસ નોંધ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, બંને વ્યક્તિઓ વચ્ચે અગાઉ કોઈ દુશ્મનાવટ હોય તેવું જણાતું નથી. ખાનના નાના ભાઈ ઈરશાદ ખાને કહ્યું કે, પરિવાર પાસે આ હુમલાનું કોઈ કારણ નથી અને તેમને આશંકા છે કે, કદાચ તેમના મુસ્લિમ દેખાવે તેમાં ભૂમિકા ભજવી હશે. ‘મારા ભાઈની હત્યા શા માટે કરવામાં આવી તે અમને ખબર નથી. તેને કોઈની સાથે દુશ્મનાવટ નહોતી. તેનો એકમાત્ર ‘ગુનો’ એ હતો કે તે દાઢી રાખતો હતો અને માથા પર ટોપી (સ્કલકેપ) પહેરતો હતો. અમને શંકા છે કે, તેની હત્યા એટલા માટે કરવામાં આવી કારણ કે, તેના પહેરવેશ પરથી સ્પષ્ટ થતું હતું કે તે મુસ્લિમ છે. પોલીસ સ્ટેશનની બહાર તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી અને તેમ છતાં તેને બચાવવા માટે એક પણ પોલીસકર્મી આગળ ન આવ્યો,’ તેમ ઈરશાદે ‘ધ વાયર’ને જણાવ્યું. રાજસ્થાન પોલીસે આ હત્યા ‘હેટ ક્રાઈમ’ (દ્વેષપૂર્ણ ગુનો) હોવાની વાતને નકારી કાઢી છે. અલવરના અધિક પોલીસ અધિક્ષક પ્રિયંકા રઘુવંશીએ કહ્યું કે, ખાનની હત્યા તે મુસ્લિમ હોવાને કારણે કરવામાં આવી હોય તેવા કોઈ સંકેત મળ્યા નથી અને તેમણે ધ્યાન દોર્યું કે પરિવારની પ્રાથમિક ફરિયાદમાં આવા કોઈ હેતુનો ઉલ્લેખ નહોતો.
રઘુવંશીએ કહ્યું કે, ધરપકડ બાદ આરોપીનું વર્તન જોતાં એવું લાગે છે કે, તેને માનસિક સ્વાસ્થ્યની સમસ્યા હોઈ શકે છે પરંતુ તેમણે ભારપૂર્વક કહ્યું કે, તબીબી તપાસ બાદ જ આ બાબતની પુષ્ટિ થઈ શકે છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપીનું મનોચિકિત્સક દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. ‘તે સતત બૂમો પાડતો હતો અને ચીસો પાડતો હતો, પોલીસને ધમકાવતો હતો અને એમ પણ કહેતો હતો કે, તે પોલીસ સ્ટેશનને આગ લગાડી દેશે અને તેના પિતાની હત્યા કરી નાખશે પરંતુ તે જે કહે છે તેના પર અમે વિશ્વાસ કરતા નથી અને યોગ્ય તબીબી તપાસ બાદ જ તેની માનસિક સ્થિતિ વિશે ચોક્કસ થઈ શકીશું,’ તેમ રઘુવંશીએ ‘ધ વાયર’ને કહ્યું. તેમણે એમ પણ કહ્યું કે, પોલીસ એવા આક્ષેપોની તપાસ કરી રહી છે કે, હર્ષને અગાઉ તેના પિતા સાથેના ઝઘડા બાદ બરોડા મેવ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. મેવ પંચાયતના વડા શેર મોહમ્મદ મેવના જણાવ્યા અનુસાર આરોપી તેના પિતા સાથેની મારામારી બાદ પોલીસ સ્ટેશનની અંદર હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, હર્ષે પોલીસકર્મીઓને ધમકી આપી હતી કે, બહાર નીકળવાની મંજૂરી મળ્યા બાદ તે કોઈની હત્યા કરી નાખશે પરંતુ કોઈ નિવારક પગલાં લેવામાં આવ્યા ન હતા. પોલીસે આ વાતનું ખંડન કર્યું છે. રઘુવંશીએ કહ્યું કે, પ્રાથમિક તપાસમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી કે હુમલા પહેલાં હર્ષ સ્ટેશનની અંદર હતો. તેમણે એમ પણ કહ્યું કે, જ્યાં હુમલો થયો તે સ્થળ પોલીસ સ્ટેશનની અંદરથી જોઈ શકાતું ન હતું અને મદદ માટેની ચીસો સાંભળ્યા બાદ પોલીસકર્મીઓ સેકન્ડોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ હત્યાને પગલે બરોડા મેવ પોલીસ સ્ટેશન અને અલવર જિલ્લા હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શનો થયા હતા. સ્થાનિક રહેવાસીઓએ આરોપીઓ સામે કાર્યવાહી, ખાનના પરિવારને વળતર અને હત્યાના સંજોગોની તપાસની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શનકારીઓએ ૨૪ સપ્ટેમ્બરે અલવર-ભરતપુર રોડ પણ જામ કર્યો હતો, જેના પગલે વધારાના પોલીસ દળને તૈનાત કરવામાં આવ્યું હતું. આ ઘટના અંગે વિરોધ પક્ષ કોંગ્રેસે પણ ટીકા કરી છે. રાજસ્થાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ટીકા રામ જુલીએ ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકારની ટીકા કરી હતી અને પોલીસ સ્ટેશનની બહાર થયેલી આ હત્યાને રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર એક ‘કાળો ડાઘ’ ગણાવ્યો હતો. ‘ધ વાયર’ દ્વારા ટાંકવામાં આવેલા નિવેદન મુજબ જુલીએ કહ્યું, ‘જ્યારે પોલીસ સ્ટેશનો જ સુરક્ષિત ન હોય, ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે.’ બરાવાસ સ્થિત ખાનના ઘરે તેમનો પરિવાર તેમના મૃત્યુનો શોક મનાવી રહ્યો છે. તેમના પિતાએ જણાવ્યું હતું કે, ખાનનો પુત્ર સગીર વયનો છે. ઈરશાદે કહ્યું કે, તેમનો ભાઈ સાદું જીવન જીવતો હતો અને તેનો મોટાભાગનો સમય ખેતરમાં કામ કરવામાં કે મસ્જિદમાં જવામાં વિતાવતો હતો. તેમણે કહ્યું, ‘મારો ભાઈ માત્ર ખેતરોમાં અને મસ્જિદમાં જતો હતો. તે ખૂબ જ સાદું જીવન જીવતો હતો. અમને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે તે હવે આપણી વચ્ચે નથી.’

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks