રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફયુ જાન્યુ.માં પણ લંબાઈ શકે

હાઈકોર્ટ સમક્ષના સોગંદનામામાં સરકારે રજૂ કરી કેફિયત
રાત્રી કરફયુ ૧૧થી ૬નો કરવાની વેપારીઓની માંગ હાઈકોર્ટે ફગાવી

(સંવાદદાતા દ્વારા)  અમદાવાદ,તા.૨૪
ગુજરાત સરકાર દ્વારા ચાર મહાનગરો રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં રાત્રીનાં ૯થી સવારે સવારે ૬ વાગ્યા સુધીનો કર્ફ્યૂ ૨૦ નવેમ્બરથી લાગુ કરવામાં આવેલો છે. સરકાર હજી પણ રાત્રી કર્ફ્યૂં હટાવવાનાં મૂડમાં ન હોઈ વિવિધ વેપારી સંગઠનો દ્વારા આ અંગે વિરોધ વ્યક્ત કરાયો હતો. આ મુદ્દો હાઇકોર્ટમાં પહોંચતા હાઇકોર્ટે આ અંગે સરકાર પાસે જવાબ માંગ્યો હતો.
જેનાં જવાબમાં હાઇકોર્ટમાં સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા જવાબ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં એડ્‌વોકેટ જનરલ દ્વારા જણાવાયું કે, રાત્રી કર્ફ્યૂનાં કારણે દિવાળી બાદ બેકાબુ થઇ ચુકેલા કોરોના કેસમાં થઇ રહેલા વધારાને ડામવામાં સફળતા મળી હતી. આરોગ્ય અગ્ર સચિવે પણ આ અંગે જણાવ્યું કે, રાત્રી કર્ફ્યૂનાં કારણે સરકારને ખુબ જ મદદ મળી રહી છે. જેથી હાલમાં આ રાત્રી કર્ફ્યૂ હટાવવા અંગેનું કોઇ જ આયોજન નથી.
૩૧ ડિસેમ્બર નજીકમાં હોવાનાં કારણે હાલ રાત્રી કર્ફ્યૂં યથાવત્ત રાખવો જરૂરી છે. આ ઉપરાંત સરકાર દ્વારા જાન્યુઆરી મહિનામાં પણ રાત્રી કર્ફ્યૂ યથાવત્ત રાખવામાં આવે તેવી શક્યતા છે તેવો જવાબ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. સરકારનાં આ વલણને હાઇકોર્ટે પણ સમર્થન આપ્યું હતું. હાઇકોર્ટે જણાવ્યું કે, રાત્રી કર્ફ્યૂનાં કારણે કોરોના ડામવામાં સફળતા મળી તે પ્રાથમિક રીતે તો જોઇ શકાય છે. માટે સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય યોગ્ય લાગી રહ્યો છે. વિવિધ વેપારી સંગઠનો દ્વારા રાત્રી કર્ફ્યૂ રાત્રીનાં ૧૧થી સવારનાં ૬ વાગ્યા સુધીનો રાખવાની માંગ કરવામાં આવી હતી. જેને હાઇકોર્ટે રદ્દ કરતા જણાવ્યું કે, હાલમાં જે કોરોનાની સ્થિતી છે તેને જોતા સરકારનો નિર્ણય યોગ્ય છે. સરકાર ઇચ્છે તો રાત્રી કર્ફ્યૂં લંબાવી શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts