રાજ્યમાં પશુચિકિત્સા અધિકારી અને પશુધન નિરીક્ષકની ૪૩ ટકા જગ્યાઓ ખાલી

ગાંધીનગર, તા.ર૩
રાજ્યમાં પશુચિકિત્સા અધિકારી અને પશુધન નિરીક્ષક મંજૂર જગ્યાઓ પૈકી ૧૧પ૧ જગ્યાઓ ખાલી છે. એટલે પશુચિકિત્સા અધિકારી અને પશુધન નિરીક્ષકની મંજૂર જગ્યાઓ પૈકી ૪૩ ટકા જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાઓમાં સૌથી વધુ નર્મદા જિલ્લામાં ૮૯ ટકા જગ્યાઓ ખાલી છે ત્યારે પશુઓના આરોગ્યની સેવાઓ સ્ટાફના અભાવે ‘માંદી’ પડી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે.
રાજ્યમાં પશુચિકિત્સા અધિકારી અને પશુધન નિરીક્ષકની મંજૂર જગ્યાઓ અંગે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોએ પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો કે રાજ્યના ૩૧ જિલ્લાઓમાં પશુચિકિત્સા અધિકારી વર્ગ-ર અને પશુધન નિરીક્ષકની મંજૂર થયેલી જગ્યાઓ ર૭૦૯ હતી. તેની સામે ૧પપ૮ જગ્યાઓ ભરાઈ હતી ત્યારે ૧૧પ૧ એટલે ૪૩ ટકા જગ્યાઓ ખાલી છે. જેમાં નર્મદા જિલ્લામાં મંજૂર જગ્યાઓ પ૩ સામે માત્ર ૬ જ જગ્યાઓ ભરાઈ હતી. જ્યારે ૪૭ જગ્યાઓ ખાલી છે. તેમજ રાજ્યના ૧પ જિલ્લાઓમાં પ૦ ટકાથી લઈને ૯૦ ટકા સુધી જગ્યાઓ ખાલી છે. બીજી બાજુ રાજ્યમાં ખેતી નિયામકની કચેરી ગાંધીનગરમાં ૩૬૮ જગ્યાઓ મંજૂર થઈ છે. તેની સામે ૧૬પ જ જગ્યાઓ ભરાઈ હતી અને ર૦૩ જગ્યાઓ ખાલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના ખેડૂતોને ખેતી અને પશુપાલનના વ્યવસાય માટે જરૂરી એવા પશુધનની આરોગ્ય સેવાઓ માટેના પશુચિકિત્સા અધિકારી અને પશુધન નિરીક્ષકની મંજૂર જગ્યાઓ ખાલી છે ત્યારે ખેડૂતોના પાયાના પ્રશ્નો ઉકેલવામાં રાજ્ય સરકાર ઉદાસીનતા દાખવતી હોય તેવું સાબિત થયું છે. જો કે કૃષિ વિભાગનું માત્ર નામ બદલવાથી ખેડૂતોનું કલ્યાણ થવાનું નથી પરંતુ પશુ ચિકિત્સા અધિકારી અને પશુધન નિરીક્ષકની ૪૩ ટકા ખાલી જગ્યાઓ ભરાય તો ખરેખર ખેડૂતોનું કલ્યાણ થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks