અમદાવાદ,તા.ર૩
ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં પ્રથમ વખત એટ્રોસિટી એકટના ગુનામાં મુખ્ય આરોપીઓને આગોતરા જામીન આપવામાં આવ્યા છે. સુપ્રીમકોર્ટે તાજેતરમાં આપેલા ચુકાદાને ટાંકીને હાઈકોર્ટે એટ્રોસિટી એકટના ગુનામાં આગોતરા જામીન આપ્યા છે. સાબરકાંઠા જિલ્લાના વાડોલ ગામમાં બે જૂથો વચ્ચે થયેલા ઝઘડામાં એટ્રોસિટીનો કેસ થયો હતો. જે અંગેની હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે સુપ્રીમકોર્ટે આપેલા તાજેતરમાં એટ્રોસિટી એકટના ચુકાદાના અભ્યાસના આધારે અવલોકન કર્યા બાદ એટ્રોસિટી કેસમાં આગોતરા જામીન આપ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં આવેલા વાડોલ ગામમાં દરબાર અને દલિત કુટુંબ વચ્ચે થયેલા ઝઘડામાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. દલિત પરિવારનો દીકરો ખુલ્લામાં શૌચ કરતો હોવાના કારણે દરબારોએ વિરોધી ઉઠાવ્યો હતો અને તે બાદ ઝઘડો થયો હતો. પ્રથમદર્શી રીતે હાઈકોર્ટે આ મામલે જામીન આપી શકાય તેવા અવલોકન કર્યા હતા જે બાદ આપેલા ચુકાદામાં હાઈકોર્ટે આરોપીઓના આગોતરા જામીન મંજુર કર્યા છે. અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ ૧૯૮૯ હેઠળ અપરાધમાં સુપ્રીમકોર્ટે દિશાનિર્દેશ આપ્યા છે. સુપ્રીમકોર્ટે કહ્યું છે કે આ પ્રકારના મામલામાં હવે કોઈની સ્વયંસંચાલિત પણે ધરપકડ કરવામાં નહી આવે એટલું જ નહી પણ ધરપકડ પહેલા આરોપીની તપાસ જરૂરી છે ધરપકડ પહેલા જામીન પણ આપી શકાય તેમ છે. સુપ્રીમકોર્ટે માન્યું છે કે આ એકટનો દુરૂપયોગ થઈ રહ્યો છે અને કેસ નોંધાવતા હેલા ડીએસપી સ્તરના પોલીસ અધિકારી તપાસ કરશે. આ મામલામાં આગોતરા જામીન પર પણ કોઈ સંપૂર્ણ રોક નથી. કોઈ સરકારી અધિકારીની ધરપકડ પહેલા તેના ઉચ્ચાધિકારીની મંજૂરી જરૂરી હશે તેમ ટાકયુ હતું. ઉલ્લેખનીય છે કે એટ્રોસિટી એકટમાં આગોતરા જામીન આપવાનો ગુજરાત હાઈકોર્ટમાં પ્રથમ વખત બનાવ બન્યો છે કે જેમાં સુપ્રીમકોર્ટે તાજેતરમાં આપેલા ચુકાદાને ટાંકીને હાઈકોર્ટ એટ્રોસિટી એકટના ગુનામાં આરોપીઓને આગોતરા જામીન આપ્યા હતા.
એટ્રોસિટી એક્ટ મામલે જામનગરમાં ચક્કાજામ; ર૦ની અટકાયત
દલિતોને કાયદાથી મળતા રક્ષણ સમાન એટ્રોસિટી એક્ટના કાયદાની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે જે સુધારાનો વિરોધ કરતા આજે જામનગરમાં પૂર્વ રાજ્યમંત્રી તેમજ દલિત વકીલો સહિતના ર૦થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. તાજેતરમાં દેશની સુપ્રીમ કોર્ટે એટ્રોસિટી એક્ટમાં સુધારો કર્યો હતો જે અંતર્ગત વિવિધ કાયદાકીય જોગવાઈમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં સરકારી કર્મચારીઓની સીધી ધરપકડ ના થઈ શકે તેમજ નોન ગવર્મેન્ટની ધરપકડ પૂર્વે જિલ્લા એસીપીની મંજૂરી હોવી જરૂરી હોય જે કાયદાકીય સુધારાનો દલિતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં આજે જામનગર ખાતે પૂર્વ મંત્રી દિનેશ પરમાર તેમજ દલિત સમાજના કોર્પોરેટર અને વકીલો જામનગરના લાલબંગલા ખાતે ધરણાં યોજી કલેક્ટર કચેરી સામે ચક્કાજામ કરી રોડ પર બેસી ગયા હતા. દલિત સમાજ સંબંધિત એટ્રોસિટી એક્ટમાં વિરોધ કરી ચક્કાજામને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ચક્કાજામ કરનાર પૂર્વ રાજ્યમંત્રી દિનેશ પરમાર સહિતના ર૦ લોકોની અટકાયત કરવામાં આવી હતી. ધરપકડ થયેલા તમામને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.