સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ : સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ
અમદાવાદ,તા.ર૯
રાજયમાં ગત સપ્તાહે મેઘાવી માહોલ રહ્યા બાદ છેલ્લા ચાર દિવસથી રાજયમાં ધોધમાર વરસાદ વિરામ લેતા સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો. જયારે ર૯થી ૩૧ ઓગસ્ટ દરમ્યાન રાજયમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી પર ખરા ઉતરતા અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો છે જેમાં કચ્છના અબડાસામાં બારે મેઘ ખાંધા થયા હોય તેમ માત્ર પ કલાકના ગાળામાં જ ૧૦ ઈંચ વરસાદ વરસતા આભ ફાટયું હોય તેવી સ્થિતિ વચ્ચે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. અબડાસા શહેરમાં નદીઓની માફક પાણી વહેતા થતા વાહચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જયારે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાની ભરાયા હતા. અબડાસા ઉપરાંત મુદ્રામાં ચાર ઈંચ, નખત્રાણામાં ત્રણ ઈંચ, ભુજ અને લખપતમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે અબડાસા અને નલિયાની આસપાસની નદીઓમાં નવા નીરની આવક થઈ હતી. બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિત ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતના ૩૦ તાલુકાઓમાં મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. ઉમરગામમાં સૌથી વધુ ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતની જેમ સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ, મોરબી, ભાવનગર પાલિતાણા, અમરેલી, તેમજ ગીર પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને પગલે ગીર પંથકની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ધોધમાર વરસાદને પગલે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં દ્વારકામાં ૧ ઈંચ, ખંભાળિયામાં ર ઈંચ, ધારીમાં ૧ ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જવાની ચિંતા છે. બીજી તરફ હજુ પણ બે દિવસ રાજયમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જયારે આવતીકાલે આણંદ, ભરૂચ, વડોદરા, બોટાદ, જૂનાગઢ, રાજકોટ, અમરેલીમાં ભારે વરસાદ જયારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે.