ગાંધીનગર,તા. ૧૪
ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સરપંચ અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર ખેડૂતોની સાથે છે. ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું લક્ષ્ય ગામડુ છે. ગામડુ સુખી, ખેડૂત સુખી તો દેશ સુખી. તે વિચારને લઇને સરકાર કાર્યરત છે. એમ જણાવતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરપંચની ચૂંટણી જીતવી અઘરી છે કેમ કે, નાનું ગામ હોય, ઓછા મતદાર હોય, આવી સ્થિતિમાં જે વ્યક્તિ રાત-દિવસ પ્રજા વચ્ચે રહી સેવાકાર્ય કરતો હોય તેવા વ્યક્તિ જ ચૂંટાતા હોય છે. આવી અઘરી કસોટીમાંથી પાર પાડીને તમે ચૂંટાયા છો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જુઠ્ઠાણાઓ ફેલાવી ગ્રામ્ય પ્રજાને ગેરમાર્ગે દોરવાના કોંગ્રેસના પ્રયત્નો સફળ થયા નથી. ગામડાઓમાં ૭૫ ટકા જેટલા ભાજપ સમર્થિત સરપંચો ચુંટાયા છે. ૨૨-૨૨ વર્ષોથી ભાજપે પ્રજાનો વિશ્વાસ જાળવ્યો છે. ભાજપની મતની ટકાવારી પણ વધી છે ત્યારે આગામી નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓમાં પણ ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત છે.