રાલ્લાગુડામાં મુસ્લિમ કામદારો પર હુમલો : પીડિતોનો આરોપ છે કે તેમને ‘જય શ્રી રામ’ બોલવાનું કહેવામાં આવ્યું અને ત્યારબાદ લાકડીઓ વડે માર મારવામાં આવ્યો

 

શમશાબાદમાં હૈદરાબાદના ઓલ્ડ સિટીના બે મુસ્લિમ ઈલેક્ટ્રિશિયનો પર કથિત હુમલો

 

(એજન્સી) તા.ર૩
હૈદરાબાદના ઓલ્ડ સિટીના બે મુસ્લિમ ઈલેક્ટ્રિશિયનો પર શમશાબાદના રાલ્લાગુડા વિસ્તારમાં કેટલાક લોકોના જૂથ દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે તેલંગાણામાં લઘુમતીઓની સુરક્ષા અને પોલીસની કામગીરી અંગે રાજકીય ટીકાઓ શરૂ થઈ છે. ૨૫ વર્ષીય મોહમ્મદ વાહેદ અહેમદ અને ૨૬ વર્ષીય મોહમ્મદ હૈદર ખાન ત્યાં ઈલેક્ટ્રિકલ કામ માટે ગયા હતા, ત્યારે પડોશીઓ સાથે થયેલી બોલાચાલી હિંસામાં પરિણમી હતી. બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને ઉસ્માનિયા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ભૂલથી રંગનો એક ડબ્બો પડોશીના ઘર પર પડી ગયો, જેના કારણે બે જૂથો વચ્ચે ઝઘડો થયો. શમશાબાદ સ્ટેશન હાઉસ ઓફિસર બી. સંજીવુલુએ પુષ્ટિ કરી છે કે બંને પક્ષોની ફરિયાદોના આધારે બે અલગ-અલગ FIR નોંધવામાં આવી છે. પોલીસે વધુ વિગતો આપવાનો ઇન્કાર કર્યો છે અને FIR હજુ સુધી સાર્વજનિક કરવામાં આવી નથી. એક અન્ય અહેવાલ મુજબ, આ ઝઘડા દરમિયાન લગભગ ૨૦ લોકો ત્યાં એકઠા થયા હતા, જેમણે ઈલેક્ટ્રિશિયનોને ‘જય શ્રી રામ’ બોલવા માટે કહ્યું અને ત્યારબાદ લાકડીઓ વડે તેમના પર હુમલો કર્યો. જોકે, આ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. ‘મજલિસ બચાઓ તહરીક’ (MBT)ના પ્રવક્તા અમજદ ઉલ્લાહ ખાને આરોપ લગાવ્યો છે કે ઈજાગ્રસ્ત વ્યક્તિઓ સ્થાનિક પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ ત્યાં તેમને યોગ્ય મદદ મળી ન હતી, જેના કારણે તેમણે અન્ય જગ્યાએ મદદ લેવી પડી. પીડિતોના પરિવારોએ પણ દાવો કર્યો છે કે હુમલા સમયે પોલીસ કર્મચારીઓ ત્યાં હાજર હતા, પરંતુ તેમણે કોઈ દરમિયાનગીરી કરી ન હતી. ખાને હોસ્પિટલમાં જઈને પીડિતોની મુલાકાત લીધી હતી અને આ હુમલા તેમજ પોલીસની કામગીરી અંગે તપાસની માંગ કરી હતી. AIMIMસ્ના MLCમિર્ઝા રિયાઝ ઉલ હસન એફન્ડીએ પણ પીડિતો અને તેમના પરિવારો સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ખાને મુખ્યમંત્રી એ. રેવન્ત રેડ્ડીના નેતૃત્વ હેઠળની તેલંગાણા સરકાર પર ‘સોફ્ટ હિન્દુત્વ’ની નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે રેડ્ડીએ સત્તા સંભાળી ત્યારથી મુસ્લિમો પર કથિત સાંપ્રદાયિક હુમલાની ૫૦થી વધુ ઘટનાઓ બની છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ફેરફાર જોવા મળ્યો નથી. પોલીસનું કહેવું છે કે આ મામલો બે જૂથો વચ્ચેનો વિવાદ હતો અને બંને પક્ષો તરફથી કેસ નોંધવામાં આવ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks