(એજન્સી) શિલાંગ, તા.૩૧
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ યુવાનોને વિનંતી કરી છે કે, તેઓ દેશને મજબૂત કરવા એકબીજા પ્રત્યે પ્રેમભાવ અને સન્માન જાળવે. મેઘાલયમાં ચૂંટણીના માહોલ વચ્ચે વાદળી જીન્સ અને બ્લેક જેકેટ સાથે રાહુલ ગાંધી પક્ષ દ્વારા આયોજિત એક સંગીત જલસામાં ભાગ લઈ રહ્યા હતા. જેનો હેતુ યુવા મતદારોને આકર્ષવાનો હતો. કોંગ્રેસ છેલ્લા ૧પ વર્ષથી ઉત્તર પૂર્વના રાજ્યોમાં સત્તા પર છે. શાંતિના ઉત્સવ સંગીત જલસામાં રાહુલ ગાંધી પ મિનિટ બોલ્યા હતા જ્યાં ૪ હજાર યુવકો ઠંડીની મોસમમાં સંગીત સરીતા માણી રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે વિવિધતા છતાં એક બની રહીશું તો આપણે મજબૂત બનીશું. ભારતની શક્તિ વિવિધ સંસ્કૃતિ અને ભાષાઓમાં છે. જેમાં વિચારવાના રસ્તા પણ જુદા છે. મોટાપાયે હાજર રહેલી મહિલાઓએ ખૂબ જ ઉત્સાહભેર રાહુલ ગાંધીને સાંભળ્યા હતા. તેમણે કહ્યું કે, જો આપણે એકબીજાને ધિક્કારીશું અને લડીશું તો આપણે દેશને મજબૂત બનાવી નહીં શકીએ. ફકત આપણા લોકોને નબળા અને આવારા બનાવશે. તેમણે લોકોને વારસો, ભાષા અને ધર્મ પ્રત્યે ગૌરવ લેવા જણાવ્યું હતું. અમને તમારા પર ગૌરવ છે. તમારી વિચારધારાની અમે રક્ષા કરીશું. દેશના દરેક નાગરિકનું દેશમાં સ્થાન છે. ભલે તે નાના કે મોટા રાજ્યમાંથી આવતો હોય. તેમના સ્વપ્નો અને અપેક્ષાઓ એટલા જ મહત્ત્વના છે.