સ્વિટ્ઝર્લેન્ડે અલ્જિરિયાને ૨-૦થી હરાવી સતત ચોથી વખત ફિફા વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ ૧૬માં જગ્યા બનાવી, કેપ્ટન માહરેઝની આંતરરાષ્ટ્રીય કરિયરનો કરૂણ અંત
વેનકુવર, તા.૩
ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં શુક્રવારે વેનકુવરના બીસી પ્લેસ (BC Place) સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં સ્વિટ્ઝર્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા અલ્જીરિયાને ૨-૦ થી પરાજય આપ્યો છે. આ જીત સાથે સ્વિટ્ઝર્લેન્ડે સતત ચોથી વખત વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ ૧૬ (નૉકઆઉટ સ્ટેજ)માં પ્રવેશ મેળવી લીધો છે. બીજી તરફ, અલ્જીરિયાની ટીમ આ હાર સાથે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે અને તેના દિગ્ગજ કેપ્ટન રિયાદ માહરેઝની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સફરનો પણ અંત આવી ગયો છે.મેચની શરૂઆતમાં ટેકનિકલી મજબૂત ગણાતી અલ્જીરિયાની ટીમે દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્વિટ્ઝર્લેન્ડે રમતની ૧૦મી મિનિટે જ ગોલ કરીને મેચનું ચિત્ર બદલી નાખ્યું હતું. જોહાન મન્ઝામ્બીએ મેદાનની વચ્ચેથી અદ્ભુત સોલો રન કરીને અલ્જીરિયાના ડિફેન્ડર્સને હંફાવ્યા હતા અને ડાબી બાજુથી બોક્સમાં પ્રવેશીને લો ક્રોસ આપ્યો હતો. અલ્જીરિયાના ગોલકીપર લુકા ઝિદાન મન્ઝામ્બીને રોકવા આગળ આવ્યા હોવાથી, ત્યાં જ હાજર બ્રીલ એમ્બોલોએ કોઈ ભૂલ કર્યા વિના બોલને ખાલી નેટમાં ધકેલીને સ્વિટ્ઝર્લેન્ડને ૧-૦ની લીડ અપાવી દીધી હતી.બીજા હાફની શરૂઆત પણ અલ્જીરિયા માટે ખરાબ રહી હતી. બીજા હાફની પહેલી જ મિનિટે અલ્જીરિયાના ડિફેન્ડર રફીક બેલઘાલીએ બોલને ક્લિયર કરવાનો નબળો પ્રયાસ કર્યો, જે સીધો સ્વિસ વિંગર ડેન એનડોયે પાસે પહોંચ્યો હતો. એનડોયે બોક્સની ધાર પરથી જ ઝડપી અને પાવરફુલ લો ડ્રાઇવ શોટ મારીને ગોલકીપર લુકા ઝિદાનને માત આપી હતી અને સ્વિટ્ઝર્લેન્ડની લીડ ૨-૦ કરી દીધી હતી. આ વહેલા ગોલને કારણે અલ્જીરિયાની ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી અને વાપસી કરવા માટે સંઘર્ષ કરતી જોવા મળી હતી.મેચની ૮૧મી મિનિટે સ્વિટ્ઝર્લેન્ડ પાસે લીડ ૩-૦ કરવાની સુવર્ણ તક હતી જ્યારે ડેનિસ ઝકરિયાના ક્રોસ પર ફેબિયન રીડર સાવ એકલો હતો. પરંતુ રીડર ઓપન ગોલ હોવા છતાં નબળો શોટ મારી બેઠો અને ઝિદાને તેનો બચાવ કર્યો હતો. અલ્જીરિયા માટે ૮૮મી મિનિટે અનિસ હાજ મુસાએ બોક્સની બહારથી સારો શોટ લગાવ્યો હતો જેને સ્વિસ ગોલકીપર ગ્રેગોર કોબેલે અટકાવ્યો હતો, જોકે બાદમાં આ મૂવ ઓફસાઇડ જાહેર કરાઈ હતી. મેચ પૂરી થયા બાદ, અલ્જીરિયાના મહાન ખેલાડીઓમાંના એક અને કેપ્ટન રિયાદ માહરેઝે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. આ મેચમાં માહરેઝે શરૂઆત કરી હતી અને કેટલાક જોખમી ક્રોસ પણ આપ્યા હતા, પરંતુ ટીમના ફોરવર્ડ ખેલાડીઓ તેને ગોલમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યા હતા. આ હાર સાથે જ માહરેઝની આંતરરાષ્ટ્રીય કરિયરનો રાઉન્ડ ઓફ ૩૨ માં જ નિરાશાજનક અંત આવ્યો હતો.