હઝરત અબુ હુરયરહ(રદિ.)થી રિવાયત છે કે, હુઝુરે અકરમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ઈર્શાદ ફરમાવે છે કે માણસના દરેક સારા અમલનો સવાબ દસથી લઈને સાતસો ગણો વધારવામાં આવે છે. પણ અલ્લાહતઆલા ઈર્શાદ ફરમાવે છે કે, રોઝા આ સર્વ સામાન્ય નિયમથી મુક્ત અને ઉચ્ચતર છે. તે બંદા તરફથી ખાસ મારા માટે એક ભેટ છે અને હું જ એનો અજર-સવાબ આપીશ. મારો બંદો મારી ખુશી પામવા પોતાના નફ્સની ઈચ્છાઓ તથા ખાવા-પીવાનું છોડી દે છે (તો હું પોતે મારી મરજી પ્રમાણે એની આ કુરબાની અને નફ્સને સંયમમાં રાખવા બદલ બદલો આપીશ.)
રોઝદાર માટે ખુશીના બે પ્રસંગો છે. એક ઈફતાર વેળાની ખુશી અને બીજી પોતાના માલિકની બારગાહમાં મુલાકાત અને દીદારની ખુશી. વળી હું કસમપૂર્વક કહું છું કે, રોઝદારના મોંઢાની બૂ-વાસ અલ્લાહતઆલાની નજીક મુશ્કની ખુશ્બૂ કરતાંય બહેતર છે અને રોઝો તો (આ દુનિયામાં શયતાન અને નફ્સના હુમલા સામે બચાવ અને આખિરતમાં દોઝખની આગથી હિફાઝત માટે) ઢાલરૂપ છે. જ્યારે તમે રોઝો રાખ્યો હોય ત્યારે બેહૂદા-નકામી અને બેશરમીભરી વાતો કરશો નહીં અને એવા કામોમાં કદાપિ ભાગ લેશો નહીં. જો કોઈ બીજો ઝઘડો-ટંટો કરે અથવા ગાળગલોચ કરે તો એને કહી દો કે હું રોઝદાર છું. (સહીહ બુખારી : મુસ્લિમ) ખરી રીતે તો રોઝા એ બંદાની સુધારણા માટે છે. એનામાં તકવો અને પરહેઝગારી આવે એ જ રોઝાનો ખાસ હેતુ છે, મકસદ છે. એટલે જ રોઝા જેવી ઉત્તમ ઈબાદતમાં સામેલ થનારને એ શોભતું નથી કે, તે કોઈની સાથે ઝઘડો કરે. બિભત્સ શબ્દો બોલે. એથી વિરૂદ્ધ એવા શાનદાર રોઝા રાખે કે, અલ્લાહતઆલાને ત્યાં એ સ્વીકાર પામે, જેથી તબારક વ તઆલાની ખુશી હાંસલ થાય.