રૂા.૧.ર૬ કરોડ પરત આપવા ના પડે માટે હત્યાની ધમકી અપાતા વૃદ્ધે ગળાફાંસો ખાધો

 

રામોલના વૃદ્ધે આત્મહત્યા પહેલાં લખેલી સ્યુસાઈડ નોટમાં નાણાં પરત નહીં કરી, ધમકી આપનારા ત્રણ લોકોના નામનો ઉલ્લેખ કર્યો : ત્રણેય સામે ગુનો નોંધાયો

 

(સંવાદદાતા દ્વારા)

અમદાવાદ, તા.૧

શહેરના રામોલમાં એક વૃદ્ધ વેપારીને બ્લેકમેઈલ કરીને રૂા.૧.ર૬ કરોડ લીધા બાદ પરત આપવાના બદલે ત્રણ લોકો તેમની હત્યા કરાવી દેવાની ધમકીઓ આપતા હતા. જો કે, વૃદ્ધને એટલે સુધી ધમકીઓ આપતા હતા કે, યુપીથી રૂા.ચાર-પાંચ હજારમાં ગુંડા બોલાવીને તેમની હત્યા કરાવી દે છે. તેમના ત્રાસથી કંટાળીને વૃદ્ધ વેપારીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. વૃદ્ધે લખેલી સ્યુસાઈડ નોટમાં સમગ્ર બાબતનો ઉલ્લેખ કરાતા રામોલ પોલીસે ધમકી આપનારા ત્રણેય લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતવાર વાત કરીએ તો રામોલમાં સોહમ સાનિધ્ય બંગ્લોઝમાં રહેતા દિલીપભાઈ શર્મા વટવા પોલીસ ચોકી સામે કરિયાણાની દુકાન ધરાવી વેપાર કરે છે. આ દુકાન પહેલાં તેમના કાકા નારાયણભાઈ શર્મા ચલાવતા હતા. આ નારાયણભાઈના વર્ષો પહેલાં છૂટાછેડા થઈ જતાં ભત્રીજા દિલીપભાઈને પંદરેક વર્ષ પહેલાં દત્તક લીધો હતો. દિલીપભાઈ તેમના કાકાની સાથે જ રાખતા અને તેમના કાકા નારાયણભાઈ વટવામાં ભાડે દુકાન રાખી સોપારીનો વેપાર કરતા હતા તેઓ અવાર-નવાર કહેતા કે રાજકુમાર અગ્રવાલ પાસે તેમના બહુ નાણાં ફસાયેલા છે, તે મૂડી આપતો નથી. કોઈ હિસાબ કરતો નથી અને ધમકીઓ આપે છે. ૧૬મી ઓગસ્ટના રોજ નારાયણભાઈ તેમના પરિવાર સાથે બેઠા હતા ત્યારે અચાનક તેઓ રડવા લાગ્યા હતા જેથી પરિવારજનોએ પૂછતાં તેઓએ કઈ કહ્યું નહીં અને ‘મારૂં દુઃખ મારી પાસે રહેવા દે’ તેમ કહી પરિવારજનોને સૂવા જવા કહ્યું હતું. બીજા દિવસે સવારે બધા જાગીને મેઈન હોલમાં આવ્યા ત્યારે નારાયણભાઈ દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. બેડમાં ઓશિકા નીચેથી બે સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેમાં રાજકુમાર અગ્રવાલ, તેનો પુત્ર મેનિશ અગ્રવાલ તથા ભાઈ વિષ્ણુ અગ્રવાલના નામનો ઉલ્લેખ કર્યો હતો. આ લોકોએ નારાયણભાઈ પાસેથી ૧.૨૬ કરોડ રૂપિયા લીધા છે પણ ચૂકવ્યા નથી તેઓના ડરથી તેઓ આપઘાત કરે છે. એટલું જ નહીં એ ત્રણેય લોકો પાંચ હજારમાં યુપીથી ગુંડાઓ બોલાવી મર્ડર કરાવી શકે છે અને આ ત્રણેયના ત્રાસથી તેઓ આત્મહત્યા કરે છે તેવું સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks