રૂા.૩૦થી દર મહિને રૂા.૧૫ કરોડ સુધી : કેવી રીતે તેમની માતાની બીમારી તેમને લદ્દાખના સી બકથોર્ન સુધી લઇ ગઇ

 

ઉદિત ચાવલાએ તેમની માતાની કેન્સરની સારવારથી પ્રેરિત સંશોધનને વેલવિથ નામની સી બકથોર્ન વેલનેસ બ્રાન્ડમાં ફેરવી દીધું. ચાવલાની સફર ગ્રાહક શિક્ષણને કેન્દ્રમાં રાખવા, લદ્દાખથી સીધી ખરીદી કરવા અને સ્થાનિક સમુદાયો સાથેની ભાગીદારીને ઉજાગર કરે છે

 

(એજન્સી) તા.૨૭
‘તમારા વ્યવસાયને ૯૯૯ દિવસ આપો. તે તમારા પૈસા, તમારો સમય, તમારી ઊર્જા લેશે અને દરેક સંભવિત રીતે તમારી કસોટી કરશે પરંતુ ૯૯૯ દિવસ પછી તે તમને એ બધું જ આપવાનું શરૂ કરી શકે છે જે તમે ક્યારેય શક્ય માન્યું ન હતું.’ વેલનેસ બ્રાન્ડ વેલવિથના સહ-સ્થાપક ઉદિત ચાવલાના આ શબ્દો વ્યવસાય ઊભો કરવાની વાસ્તવિકતાને કેદ કરે છે.પરંતુ બ્રાન્ડ ઘડવાના તેમના વર્ષો અને દિવસોને જે બાબત રસપ્રદ બનાવે છે તે એ છે કે, તેઓ ક્યારેય આગામી મોટા બિઝનેસ આઇડિયાની શોધમાં નીકળ્યા ન હતા. હકીકતમાં આ બધું એક અંગત કટોકટીથી શરૂ થયું જેણે તેમને રૂા.૩૦ની ટિપથી દર મહિને ૧૫ કરોડ સુધી પહોંચવામાં મદદ કરી, જેમ કે, તેમણે તેમની તાજેતરની વાતચીતમાં ખુલાસો કર્યો હતો. ૨૦૧૭-૧૮માં ઉદિત વ્યવસાયિક અને આર્થિક રીતે સારૂં કરી રહ્યા હતા ત્યારે બેંગ્લુરૂમાં એક મીટિંગમાં હાજરી આપતી વખતે તેમને આગ્રાથી ફોન આવ્યો. તેમની માતાને કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેઓ ઘરે પાછા ફર્યા અને સારવાર દરમિયાન તેમની સાથે રહેવામાં ઘણો સમય વિતાવ્યો. હોસ્પિટલની મુલાકાતો દરમિયાન તેમણે યુવાનો અને બાળકોને પણ ગંભીર બીમારીઓ સામે લડતા જોયા. આ અનુભવે તેમને સ્વાસ્થ્ય તરફ અલગ દૃષ્ટિએ જોતા કર્યા. તેમણે કેન્સર, પોષણ અને એન્ટીઓક્સીડેન્ટ્‌સ વિશે વાંચવાનું શરૂ કર્યું, શરૂઆતમાં એ સમજવા માટે કે આહારની પસંદગીઓ સારવાર દરમિયાન તેમની માતાને કેવી રીતે મદદ કરી શકે છે અને તેઓ પોતાના સ્વાસ્થ્યની વધુ સારી કાળજી કેવી રીતે લઇ શકે છે. આ સંશોધન દરમિયાન જ તેમનો પરિચય સીબકથોર્ન સાથે થયો, જે હિમાલયના ઠંડા, ઊંચાઇવાળા પ્રદેશોમાં ખાસ કરીને લદ્દાખમાં ઉગતું એક નાનું નારંગી ફળ (બેરી) છે. જે બાબતે તેમનું ધ્યાન ખેંચ્યું તે માત્ર આ ફળની પોષક ગુણવત્તા જ ન હતી પરંતુ એ હકીકત પણ હતી કે આટલો સમૃદ્ધ ઇતિહાસ અને ક્ષમતા ધરાવતું ઘટક ભારતીય ગ્રાહકો માટે પ્રમાણમાં અજાણ્યું રહ્યું હતું. તેમણે એક સરળ પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું : જો આ છોડ પાસે આપવા માટે આટલું બધું છે, તો તે વધુ લોકો સુધી કેમ પહોંચ્યો નથી ? તે પ્રશ્ન આખરે વેલવિથનો પાયો બન્યો. જો કે, તે શોધને વ્યવસાયમાં ફેરવવી એ એકદમ અલગ પડકાર હતો. ઉદિતે સમગ્ર લદ્દાખનો પ્રવાસ કર્યો, વિવિધ ખીણોની મુલાકાત લીધી, સીબકથોર્ન કેવી રીતે ઉગે છે તેનો અભ્યાસ કર્યો અને આ ફળોની લણણી, પ્રક્રિયા અને પ્રાપ્તિમાં સામેલ પડકારોને સમજ્યા. તેઓ એવા વૈજ્ઞાનિકો સાથે પણ જોડાયા જેમણે વર્ષો સુધી આ છોડ પર સંશોધન કર્યું હતું. તેઓ જે સૌથી મહત્ત્વપૂર્ણ લોકોને મળ્યા તેમાંના એક ડૉ. બ્રહ્મા સિંહ હતા, જેઓ DRDOની ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇ ઓલ્ટિટ્યુડ રિસર્ચ (DIHAR) સાથે સંકળાયેલા પૂર્વ વરિષ્ઠ વૈજ્ઞાનિક હતા. તેમની વાતચીતનો એક વિચાર ઉદિત સાથે રહી ગયો : સીબકથોર્ન માત્ર એક છોડ ન હતો પરંતુ લદ્દાખ માટે સંભવિત સોનાની ખાણ હતી, જે સ્થાનિક સમુદાયો માટે આજીવિકાની તકો ઊભી કરવાની ક્ષમતા ધરાવે છે. જો કે, શરૂઆતની સફર બિલકુલ સરળ ન હતી. બે ટન સીબકથોર્નનો પ્રથમ જથ્થો બગડી ગયો, જેના પરિણામે મોટું નુકસાન થયું. મિત્રોએ સવાલ ઉઠાવ્યો કે, તેઓ પ્રમાણમાં અજાણ્યા છોડ પર કામ કરવા માટે આશાસ્પદ કારકિર્દી કેમ છોડી રહ્યા છે. કેટલાકે તેમની મજાક ઉડાવી, તો કેટલાકે તેમની અવગણના કરી પરંતુ ઉદિત આગળ વધતા રહ્યા. તેમણે પૈસા ઉછીના લીધા, બીજી લોનની વ્યવસ્થા કરી અને ફરીથી ઉત્પાદન વિકાસ શરૂ કર્યો. તેઓ વહેલી સવારે બગીચાઓમાં જતાં લોકોનો સંપર્ક કરતા અને સમજાવતા કે સીબકથોર્ન શું છે અને તેઓએ તેના વિશે શા માટે જાણવું જોઇએ. શરૂઆતમાં માત્ર મુઠ્ઠીભર ખરીદદારો જ હતા. કેટલાકે આ વિચારને ફગાવી દીધો, જ્યારે અન્ય લોકો શરૂઆતના સમર્થકો બન્યા. ઉદિત એક ગ્રાહકને યાદ કરે છે જેણે એક બોટલ ખરીદી અને તેમને ટિપ તરીકે વધારાના રૂા.૨૫-૩૦ આપ્યા. તે એક નાનો હાવભાવ હતો પરંતુ જેને તેઓ આજે પણ યાદ કરે છે. ગ્રાહકો સમક્ષ એક અજાણ્યા ઘટકનો પરિચય કરાવવાનો પ્રયાસ કરી રહેલા વ્યક્તિ માટે તે પ્રશંસા એક મહત્ત્વપૂર્ણ પ્રોત્સાહન હતું. પાર્કના સ્ટોલ પર રૂા.૩૦ની ટિપથી લઇને માસિક રૂા.૧૫ કરોડની આવક નોંધાવતા વ્યવસાય સુધી, ઉદિતની સફર એ વાતની યાદ અપાવે છે કે, ઘરની નજીકની સમસ્યા ક્યારેક એવી તક તરફ દોરી જાય છે જે શરૂઆતમાં કલ્પના કરી હોય તેના કરતાં ઘણી મોટી હોય છે. રાજ શમાની સાથેના ‘ફિગરિંગ આઉટ’ પોડકાસ્ટ પર બોલતા ઉદિતે આ સફરનો બીજો એક પાઠ શેર કર્યો : ‘તમારા પ્રથમ ૧૦૦ ગ્રાહકો તમને જણાવશે કે તમારે તમારા આગામી ૧ લાખ ગ્રાહકોને શું કહેવાની જરૂર છે.’ તેમણે શેર કરેલા વ્યવસાયિક આંકડા અનુસાર વેલવિથ માસિક આશરે રૂા.૫૦ લાખથી વધીને રૂા.૧૫ કરોડની આવક સુધી પહોંચી ગઇ. તેમણે લદ્દાખમાં વિશ્વસનીય સોર્સિંગ ભાગીદારી બનાવવા અને સીબકથોર્ન સાથે જોડાયેલા સમુદાયો માટે વધુ મૂલ્ય ઊભું કરવાના મહત્ત્વ વિશે પણ વાત કરી છે. કદાચ ઉદિતની સફરનો સૌથી રસપ્રદ પાઠ એ છે કે કંઇક મોટું બનાવવાની શરૂઆત હંમેશા કોઇ મોટા વિચારથી થતી નથી. છેવટે એક ઓછા જાણીતા હિમાલયન ફળથી એક વિકસતી કન્ઝ્યુમર બ્રાન્ડ સુધીની સફર એક દિવસમાં બની ન હતી. જ્યારે પ્રતિસાદ અનિશ્ચિત હતો ત્યારે પણ, તેમાં વર્ષોનું સંશોધન, ભૂલો, ઉધાર લેવું, શીખવું અને સતત હાજર રહેવું સામેલ હતું અને કદાચ ઉદિતની ૯૯૯-દિવસની ફિલસૂફી ખરેખર આ જ છે : એક સારા વિચારને કંઇક ઘણું મોટું બનવાની તક આપવા માટે લાંબા સમય સુધી પ્રતિબદ્ધ રહેવું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks