(એજન્સી) પટના, તા.૧૪
બિહારથી જદયુ ઉમેદવાર મહેન્દ્ર પ્રસાદ રાજ્યસભામાં પહોંચનારા સૌથી ધનવાન વ્યક્તિ હશે. તેમને નામાંકન પત્રમાં પોતાની કુલ સંપત્તિની જાણકારી આપી છે. મહેન્દ્ર પ્રસાદની કુલ સંપત્તિ ૪૦૦૦ કરોડ રૂપિયા છે અને તેઓ સાતમી વખત સંસદના સભ્ય બનશે. ૭૮ વર્ષીય મહેન્દ્ર પ્રસાદ ત્રીજી વખત જદયુ ઉમેદવાર તરીકે રાજ્યસભા પહોંચશે. તેઓને બિહારમાં રાજા મહેન્દ્ર પ્રસાદના નામથી પણ ઓળખવામાં આવે છે. પોતાના શપથ પત્રમાં મહેન્દ્ર પ્રસાદે જણાવ્યું કે, તેમની પાસે કુલ ૪૦૧૦.ર૧ કરોડ રૂપિયાની સંપત્તિ છે જ્યારે ર૯.૧ કરોડ રૂપિયાની સ્થાયી સંપત્તિ છે. મહેન્દ્ર પ્રસાદની પાસે બે દવા બનાવવાની કંપની છે. જેમાં એક માપરા લેબોરેટરી જ પ્રાઈવેટ લિમિટેડ અને બીજી અરિસ્સો ફાર્માસ્યુટિકલ્સ છે. બન્ને કંપનીઓમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં પોતાનો કુલ ટર્મ ડિપોઝીટ રર૩૯ કરોડ રૂપિયા બતાવી છે. જો કે, મહેન્દ્ર પ્રસાદ પાસે પોતાનું કોઈ વાહન નથી અને ન કોઈ વીમો છે. શપથ પત્ર મુજબ મહેન્દ્ર પ્રસાદ પાસે ૪૧ લાખ રૂપિયાના ઘરેણા છે. તેઓએ પોતાની કુલ ૩૦ર.પ કરોડ રૂપિયાની સંપત્તિ બતાવી છે. જેના પર તેઓએ ર૦૧૬-૧૭માં ટેક્ષ ભર્યો છે. પ્રથમવાર મહેન્દ્ર પ્રસાદ ૧૯૮૦માં જહાનાબાદ લોકસભા બેઠકની કોંગ્રેસની ટિકિટ પર સંસદમાં પહોંચ્યા હતા. પણ ૧૯૮૪માં ઈન્દિરાની હત્યા બાદ રાજીવ ગાંધીના પક્ષમાં હોવા છતાં લોકસભા ચૂંટણી હારી ગયા હતા. પણ કોંગ્રેસે ૧૯૮પમાં તેઓને રાજ્યસભા મોકલ્યા અને ત્યાર પછીથી તેઓ સતત કોંગ્રેસ, રાજદ અને જદયુ તરફથી રાજ્યસભાના સભ્ય બની રહ્યા હતા.