અમદાવાદ, તા.૭
ખેડૂતોને જમીનના વળતર પેટે અપાતી રકમ સત્વરે મળે તે માટે રૂ. ૫ કરોડ સુધીની રકમના એવોર્ડ જાહેર કરવાની સત્તા જિલ્લા કલેકટરોને સોંપવાનો નિર્ણય કર્યો છે. જેના પરીણામે ખેડૂતોને વળતરની રકમ માટે અપાતા એવોર્ડની રકમ ઝડપથી પ્રાપ્ત થતા મહત્વના પ્રોજેક્ટ વધુ વેગવાન બનશે એમ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું. મંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યના સુગ્રથિત વિકાસ માટે જમીન સંપાદનની પ્રક્રિયા વધુ સરળ બને તે માટે આ નિર્ણય મહત્વનો પુરવાર થશે. વિજય રૂપાણી દ્વારા પણ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા મહેસૂલી પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર કરાયો છે. જેના પરીણામે અનેકવિધ મહેસૂલી સુધારા રાજ્ય સરકારે કર્યા છે જેના ખુબ જ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે ત્યારે આ નિર્ણયના કારણે ખેડૂતોને ઝડપથી વળતરની રકમ પ્રાપ્ત થશે. જમીન સંપાદન પુનઃ સ્થાપન અને પુનઃવસવાટ અધિનિયમમાં વ્યાજબી વળતર અને પારદર્શકતા અધિકાર અધિનિયમ-૨૦૧૩ની કલમ-૨૩ હેઠળ સંપાદિત જમીનના વળતરનો એવોર્ડ જાહેર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતોના હિતમાં તેઓને ઝડપથી વળતરની રકમ ચુકવાય તે હેતુથી રાજ્ય સરકારને મળેલ સત્તાઓ પૈકી રૂ. ૫ કરોડ સુધીની રકમના એવોર્ડ જાહેર કરવાની સત્તાઓ કલેકટર તેમજ ક્ષેત્રિય કચેરીઓમાં જમીન સંપાદનની કામગીરી સંભાળતા અધિકારીઓને સોંપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.