(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૫
‘ચોરી ઉપરથી સીના જોરી’ ની જેમ શહેરના માલેતુજારો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામે ગરીબોના અનાજમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા વ્યાજબીભાવની દુકાનદારો સામે કલેક્ટરે કાનૂની રાહે કાર્યવાહી શરૂ કરતાં આજે પોલીસ હેરાનગતિના નામે પરવાના રદ કરવા માટે મોટી સંખ્યામાં સસ્તા અનાજની દુકાનદારો કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા હોવાનું જાણવા મળે છે. કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષોથી સરકારની સૂચના મુજબ આવશ્યક ચીજ વસ્તુના જથ્થાનું વેચાણ કરતાં આવેલા છે. અગાઉ બિલ બનાવીને જથ્થો વિતરણ કરવામાં આવતો હતો. ત્યારબાદ બારકોડ રેશનકાર્ડ અમલમાં આવતા અમોએ સરકારની સૂચના મુજબ કુપન પર જથ્થાનું વિતરણ કરતા આવેલ છે. હાલમાં સુરત શહેર અને જિલ્લામાં દુકાનની તપાસ કરવામાં આવેલ છે. તપાસ દરમ્યાન અમુક દુકાનદારો ઉપર ફોજદારી અને સાઈબરની કલમ લગાડીને કેસ કરવામાં આવેલ છે. આ કેસના સંદર્ભમાં પોલીસ ખાતા તરફથી દુકાનદારને અને એના કુટુંબીજનોને હેરાન પરેશાન કરવામાં આવે છે. અમારા ઉપર ૪૨૦, ૪૬૭, ૪૬૮ની કલમ લગાવવામાં આવેલ છે. અમો વર્ષોથી સરકાર સાથે જોડાયેલ છીએ. સરકારના નિયમનું સમયસર પાલન કરીએ છીએ. અમારી દુકાન ઉપર કોઈપણ કાર્ડ ધારક જથ્થા બાબતની ફરિયાદ કરેલ નથી. અમોએ કુદરતી આફત વખતે અને સરકાર કામગીરીના આદેશ મુજબ સરકાર સાથે રાત દિવસ કામગીરી કરેલ છે અને ભવિષ્યમાં પણ જરૂરત પડે અમો કામગીરી કરવા તત્પર રહીશું. તેમ છતાં વહીવટી તંત્રને એવું લાગે કે દુકાનદાર દુકાનના સંચાલનમાં ગેરરીતિ કરે છે તે દુઃખની વાત છે. અમો આપને વિનંતી કરીએ છે કે અમારા નામથી ચાલતી વ્યાજબી ભાવની દુકાનના સંચાલનમાંથી અમોને રાજીખુશીથી ફરજ મુક્ત કરવામાં આવે.