ઈસ્લામમાં કુલ આધાર સ્તંભો (રૂકને દીન) પાંચ છે. તૌહિદ, નમાઝ, રોઝા, ઝકાત, અને હજ્જ. આ પાંચ પૈકી રોઝા અંગે હઝરત જુનેદ બગદાદી (ર.અ.) ફરમાવે છે કે રોઝા અડધી તરીકત છે. કારણ કે તમામ ફર્ઝ ઈબાદતમાં માત્ર રોઝા જ એક એવી ઈબાદત છે, જે શરૂથી અંત સુધી છૂપાયેલી અને સંપૂર્ણ છૂપાયેલી ઈબાદત છે. તેના જાહેરના કોઈપણ કાર્ય સાથે કે ઈબાદત સાથે લેશમાત્ર સંબંધ નથી. આ ઈબાદતમાં ગૈરૂલ્લાહનો પણ લેશમાત્ર હિસ્સો સંભવિત નથી. રોઝા એક એવી ઈબાદત છે કે અગર કોઈના હૃદયમાં અલ્લાહનો ડર ન હોય, તો તે ખૂબ જ સરળતાથી બધું ખાઈપીને લોકો સામે રોઝા રાખ્યાનો ઢોંગ કરી શકે છે અને પોતાને પરહેઝગાર પ્રદર્શિત કરી શકે છે. રોઝાની ચોરી અલ્લાહ સિવાય કોઈ પકડી શકતું નથી અને તેથી હઝરત જુનેદ બગદાદી(ર.અ.)એ ઉપરોક્ત સત્ય આપણી સામે રજૂ કરેલ છે.ઈસ્લામમાં દરેક સારા કાર્ય બદલ એકથી સાતસો ગણી નેકીઓ અપાય છે. પરંતુ રોઝા આ તમામ સારા કામોથી અલગ ગણવામાં આવેલ છે. તેનોબદલો બેહિસાબ છે. કારણ કે રોઝા ખાસ કરી અલ્લાહને જ માટે રાખવામાં આવે છે અને તેથી જ અલ્લાહે ફરમાવ્યુંં છે કે રોઝાનો બદલો હું પોતે આપીશ. રોઝામાં છળકપટ અને દેખાવની જરાપણ શક્યતા નથી. જો માનવીમાં ઈખલાસ ન હોય તો તે રોઝો રાખી શકે જ નહીં. રોઝામાં પેટને ખાવા-પીવાથી રોકવું. આંખોને કામુકતા ભરેલા દૃશ્યોથી રોકવી, કાનને નિંદા અને અસત્ય અને બકવાસ સાંભળવાથી રોકવા, જીભને બકવાસ અને જરૂરત વગર બોલવાથી રોકવી. આમ આખા દેહને રોઝાની સાથે સાથે શરીઅતના વર્તુળમાં રાખવો અને પાર્થિવ ઈચ્છાઓને લગામ દેવી. એ બધાનો રોઝામાં સમાવેશ થાય છે. ઈસ્લામમાં ધાર્મિક તરક્કી કરવાના ચાર પગથિયા છે. ૧ શરીઅત, ર. તરીકત, ૩. હકીકત અને ૪. મારેફત. હઝરત જુનેદ બગદાદી (ર.અ.)ના ઉપરોક્ત વાક્યથી સ્પષ્ટ સમજી શકાય છે કે સાચા અર્થનો રોઝો રોઝદારને સીધો બીજા સ્થાને એટલે કે તરીકત દરજ્જા સુધી પહોંચાડી દે છે.