હૈદરાબાદ,તા.૮
રોહિત વેમુલાના મૃત્યુ માટે ન્યાયની માંગણી કરતાં વિદ્યાર્થીઓના આંદોલનને ટેકો જાહેર કરતાં રવિવારે શિક્ષણ બચાવ સમિતિ (એસઇસી) એ આ વિદ્વાન છાત્રના મૃત્યુ માટે જવાબદાર બધા લોકોને સજા આપવા માંગણી કરી છે. એસઇસી એ કહ્યું હતું કે ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા માટે દોષીતોને સજા થવી જ જોઈએ. યુનિવર્સિટીઓ માં સામાજિક અસમાનતા, જ્ઞાતિ અને ધર્મના ભેદભાવ‘ વિષે રવિવારે અહીં એક રાષ્ટ્રીય પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. આ પરિસંવાદમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાથી ધાર્મિક ભેદભાવ, સામાજિક અસમાનતા અને જાતિવાદને દૂર કરવા હાકલ કરવામાં આવી હતી,’ એસઈસીએ કહ્યું હતું કે કેમ્પસ એક લોકશાહી જગ્યા છે, જેથી આપણાં નીતિના ઘડવૈયાઓએ અને યુનિવર્સિટીના વિદ્વાનો અને સંચાલકોએ વિદ્યાર્થીઓની ભાવના સમજી તેઓને પ્રોત્સાહન આપવું જોઈએ. જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓ પોતાના જીવનથી કંટાળીને મૃત્યુને વહાલું ન કરે. અનેક બૌદ્ધિકો, કાર્યકરો અને શિક્ષણશાસ્ત્રીઓ, આ પરિસંવાદમાં હાજર રહ્યા હતા અને સર્વસંમતિથી ઠરાવ પાસ કર્યો હતો જેમાં તેઓએ આ કૃત્ય માટે તમામ જવાબદાર વ્યક્તિઓ સામે SC, ST અત્યાચાર (પ્રિવેન્શન) એક્ટ હેઠળ કેસ નોંધવા સરકારને અપીલ કરવાની માગણીને ટેકો આપ્યો હતો. પરિસંવાદ ખાતે બોલતા, પ્રોફેસર જી હરગોપાલે કહ્યું હતું કે જે વિદ્યાર્થીઓ હતું. પ્રણાલીઓ વિષે પ્રશ્ન ઊભા કરે છે તેઓને રાષ્ટ્ર વિરોધી જાહેર કરી દેવામાં આવે છે. નાગરિકો તરીકે ઓળખવામાં આવે છે જે શૈક્ષણિક સંસ્થાઓમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે ખતરો છે. પ્રોફેસર કોદંડરામ જેમણે પણ પરિસંવાદમાં હાજરી આપી હતી, તેમણે કહ્યું હતું કે કોઇપણ જાતના ભેદભાવ શૈક્ષણિક સંસ્થાઓ માંથી દૂર થવા જોઈએ. તેમણે રોહિતના મૃત્યુ માટે જવાબદાર લોકો સામે કડક પગલાંની માગણી કરી છે. આ બેઠકમાં પ્રોફેસર અનિલ સદગોપાલ, પ્રોફેસર ચક્રધર રાવ અને પ્રોફેસર લક્ષ્મીનારાયણ અને અન્ય સહભાગીઓ હજાર રહ્યા હતા અને તેમણે યુનિવર્સિટીઓમાં રાજકીય દખલગીરીને વખોડી કાઢી હતી. આ ઠરાવમાં જણાવ્યું હતું કે, “કેન્દ્રીય પ્રધાન દત્તાત્રેય દ્વારા છજીછ ના વિદ્યાર્થીઓને ઉગ્રવાદીઓ, જાતિવાદી અને રાષ્ટ્ર વિરોધી કહેવામા આવ્યા હતા જે ખરેખર આઘાતજનક છે. તેથી વધુ આઘાતજનક એ છે કે માનવ સંસાધન મંત્રાલય દ્વારા આ વસ્તુનું તેમણે યુનિવર્સિટીને લખેલા પત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.” એસઈસી એ ઉમેર્યું હતું કે યુનિવર્સિટી સમુદાયોએ વિરોધ કરવો જોઈએ અને મંત્રાલય પાસે માફીની માગણી કરવી જોઈએ. અને ભવિષ્યમાં આવી ભાષાનો ઉપયોગ ન કરવામાં આવે તેની ખાતરી માંગવી જોઈએ.