(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
ભાજપાએ ભલે પૂર્ણ બહુમતી કર્ણાટકમાં નથી મેળવી પણ એ હકીકત છે કે, એમણે કોંગ્રેસ પાસેથી કર્ણાટક આંચકી લીધું છે. મોદી અને શાહની રણનીતિ અને પ્રચારમાં દૈત્યનો વાસ છે. જેથી એ દિવસો દૂર નથી કે વિપક્ષોએ એ માનવું પડશે કે આ એક રાજકીય પક્ષ નથી પણ એક ખાસ વિચારધારા ધરાવતું સંગઠન છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ જેના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, અમારી સેના દેશની સેના કરતાં વધુ મજબૂત છે અને એમની આ સેના રસ્તાઓ ઉપર દેખાઈ આવે છે જે દલિતો, લઘુમતીઓ અને એમની વિચારધારા સાથે સંમત નહીં થનારાઓ સામે અત્યાચારો ગુજારે છે. બધા વિપક્ષો જો અંદરોઅંદર લડશે તો એ કયારે પણ ભાજપને હરાવી શકશે નહીં. આજે ભાજપ પાસે ર૧ રાજ્યો છે. એક વાત સ્પષ્ટ છે કે ભાજપ ક્ષેત્રિય પક્ષોને હરાવી નથી શકતો એ માટે વિપક્ષોએ આ વાત ધ્યાનમાં રાખી ભેગા થવું જોઈએ. કોંગ્રેસે ખાસ કરીને જાણવું જોઈએ કે હવે ક્ષેત્રીય પક્ષો જ ભાજપને હરાવી શકશે. એમણે પોતાનું અભિયાન છોડી ક્ષેત્રીય પક્ષોને મહત્ત્વ આપવું જોઈએ. કર્ણાટકમાં જો કોંગ્રેસે જેડીએસ સાથે પહેલાં ગઠબંધન કર્યું હોત તો ભાજપને આટલી બેઠકો પણ મળી નહીં હોત અને માનભેર એમની સરકાર રચાઈ હોત. એવી પ૦થી વધુ બેઠકો છે જ્યાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે સીધી લડાઈ હતી જેમાં ભાજપને તક મળી ગઈ. આજે પણ કર્ણાટકમાં મતોનો પપ ટકાથી વધુ હિસ્સો કોંગ્રેસ અને જેડીએસનો છે પણ કોંગ્રેસના અહંકારના લીધે એમણે પહેલાં ગઠબંધન ન કર્યું. તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પ.બંગાળ, ઓડિસામાં ક્ષેત્રીય પક્ષોનું પ્રભુત્વ વધુ છે જેથી ભાજપ એ રાજ્યોમાં સફળ થઈ શકતી નથી. ઉત્તરપ્રદેશમાં પણ સમાજવાદી પક્ષ, બહુજન સમાજવાદી પક્ષનું વર્ચસ્વ છે પણ એમણે ગઠબંધન ન કરતાં ઉ.પ્ર. વિધાનસભામાં જીતી શકયા નહીં અને ગોરખપુર અને ફૂલપુરમાં બન્નેએ ગઠબંધન કરતા જીત થઈ છે. જેથી એમણે ર૦૧૯માં ગઠબંધન કરવાનો નિર્ણય કરી જાહેરાત કરી દીધી છે. એ જ રીતે અન્ય ક્ષેત્રીય પક્ષો પણ પ્રત્યેક રાજ્યમાં છે જેમનું વર્ચસ્વ વધુ છે એની સાથે પણ કોંગ્રેસે ગઠબંધન ચૂંટણી પહેલાં કરી લેવું જોઈએ તો જ એ પક્ષનું હિત અને અસ્તિત્વ સચવાશે. ર૦૧૯ લોકસભાની તૈયારીઓ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે. એને ધ્યાનમાં રાખી કોંગ્રેસે બધા જ ક્ષેત્રીય પક્ષો સાથે ગઠબંધન કરવું જ પડશે તો જ એ ભાજપ માટે પડકાર થઈ શકશે.
– સીમા મુસ્તુફા
(સૌ. : ધ સિટીઝન્સ.ઈન)