ર૦૧૯માં ભાજપ ૧૧૦ બેઠકો પર આવી જશે : શિવસેના

(એજન્સી) મુંબઈ, તા.૧૬
શિવસેનાએ કહ્યું છે કે, તાજેતરની પેટાચૂંટણીઓના પરિણામો અને વર્તમાન વલણ જો આમ જ રહેશે તો ભારતીય જનતા પાર્ટી ૧૦૦થી ૧૧૦ બેઠકો આગામી ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ગુમાવશે. શિવસેનાના મુખપત્ર સામનામાં છપાયેલા તંત્રીલખેમાં શિવસેનાએ લખ્યું છે કે નાના રાજ્ય ત્રિપુરાની ઉજવણીમાં ગળાડૂબ ભાજપ માટે ગોરખપુર અને ફૂલપુરની ચૂંટણીઓમાં પરાજય તેના માટે ઝટકો લાવી.
તંત્રીલેખમાં કહેવાયું છે કે પેટાચૂંટણીએ દેશના મિજાજનું પ્રતિબિંબ નથી તેવો ભાજપનો દાવો છે. પરંતુ જ્યારથી મોદી વડાપ્રધાન બન્યા ત્યારપછી ભાજપે ૯ લોકસભાની ચૂંટણીઓમાં પરાજય મેળવ્યો. ભાજપે ર૦૧૪માં ર૮ર બેઠકો જીતી હતી. જે ઘટીને ર૭ર થઈ. વર્ષ પહેલાં યુપીમાં ભાજપે ૩રપ બેઠકો જીતી વિક્રમજનક જીત મેળવી હતી. ૧૯૯૧થી કદી પણ યોગી આદિત્યનાથે ગોરખપુર બેઠક ગુમાવી ન હતી. તેઓ મુખ્યમંત્રી થયા પછી તેમની નામના વધી હતી તેમ છતાં તેમને ગોરખપુરમાં હારનો સામનો કરવો પડ્યો.
ર૦૧૪માં ભાજપના વાવાઝોડાએ લોકોની આંખો અને કાન બંધ કરી દીધા હતા. હવે તેમાં ઘટાડો થઈ રહ્યો છે. ભાજપ એમ કહે છે કે ગોરખપુરમાં ઓછું મતદાન હાર માટે જવાબદાર છે તેમજ સપા-બસપાના ગઠબંધનથી નુકસાન થયું. ર૦૧૪થી ભાજપે સત્તા પર આવવા કેટલા સોદા કર્યા ? નરેશ અગ્રવાલ વિશે શું કહેશે ? ત્રિપુરામાં કોંગ્રેસ-ટીએમસી ભાજપમાં ભળી જતાં તેનો વિજય થયો. ર૦૧૪માં રથી ૩ લાખ વોટે ગોરખપુર ફૂલપુર સીટો ભાજપે જીતી હતી. બિહારમાં બે બેઠકો ભાજપે ગુમાવી હતી. કેટલાક ભાજપના નેતાઓ મૂર્ખોના સ્વર્ગમાં રાચતા હતા. બીજી તરફ જેલમાં બંધ લાલુ યાદવની લાગણીનું મોજું ફરી વળ્યું. લાલુ યાદવ ભ્રષ્ટાચાર મુદ્દે જેલમાં છે. છતાં સહાનુભૂતિના મોજામાં ભાજપ-નીતિશને ફટકો વાગ્યો જે આકાશમાંથી ભાજપને જમીન પર પટકવા સમાન છે. હવે એ વાત સ્પષ્ટ છે કે ભાજપ ર૦૧૯ની ચૂંટણીમાં ર૮૦ બેઠકો સુધી નહીં પહોંચે પરંતુ ૧૦૦થી ૧૧૦ બેઠકો ઓછી કરશે. આ ચૂંટણીઓ રશિયા, અમેરિકા, કેનેડા, ફ્રાંસની નથી ભારતની છે. તેથી ભાજપે જમીન પર પગ રાખી વિચારવું જોઈએ તેમ સેનાએ ચેતવણી ઉચ્ચારી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts