(એજન્સી) નવી દિલ્હી, તા.૩
સુપ્રીમકોર્ટે આજે જણાવ્યું હતું કે, ર૪ વર્ષીય કેરળ મહિલા હદિયા જેમણે ઈસ્લામ સ્વીકાર્યો છે. એમના પતિ શાફિન જહાંની અરજીની સુનાવણી ૯મી ઓકટોબરે હાથ ધરશે. સુપ્રીમકોર્ટે જણાવ્યું કે, એ હાઈકોર્ટના ચુકાદાને તપાસશે કે કઈ રીતે એમણે એક મુસ્લિમ વ્યક્તિના હિન્દુ યુવતી સાથે કેરળ લગ્નને રદ કરવા આદેશ કર્યો છે જે યુવતીએ લગ્ન પહેલાં ધર્મ પરિવર્તન કરી ઈસ્લામ સ્વીકારેલ છે. સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ જણાવ્યું કે, એ શાફીન જહાંની અરજીની સુનાવણી કરશે જેમાં કેરળના યુવાને એમના લગ્નની તપાસ એનઆઈએ દ્વારા કરાવાના આદેશને કરવા માગણી કરી હતી. એમના લગ્નને ‘લવજેહાદ’માં ખપાવવામાં આવ્યું હતું જેથી એની તપાસ એનઆઈએને સોંપાઈ હતી. મિશ્રાએ પ્રશ્ન કર્યો કે કઈ રીતે સુપ્રીમકોર્ટે આ પ્રકારના કેસની તપાસ માટે એનઆઈએને મંજૂરી આપી હતી. એ પણ નોંધનીય પ્રશ્ન છે. મિશ્રાએ એ પણ નોંધ્યું કે કયા આધારે કેરળ હાઈકોર્ટે હિન્દુ-મુસ્લિમ લગ્નને ગેરકાયદેસર ઠરાવી રદ કરવા આદેશ આપ્યો છે. એમણે કહ્યું કે ર૪ વર્ષીય યુવતીને એમના પિતા ગોંધી રાખી શકે નહીં. જહાં વતી રજૂઆત કરતાં વકીલે રજૂઆત કરી કે બહુધર્મી સમાજમાં સુપ્રીમકોર્ટે લગ્ન બાબતે એનઆઈએની તપાસને મંજૂરી આપવી જોઈતી ન હતી જેથી તાત્કાલિક સુનાવણી હાથ ધરી કેસનો નિકાલ કરવામાં આવે. વધારાના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્રવતી રજૂઆત કરતાં કહ્યું કે, કેસ માટે મુદ્દત આપવામાં આવે કારણ કે આ કેસમાં અન્ય એએસજી મનિન્દરસિંઘ હાજર રહ્યા હતા જે આજે બહારગામ ગયા હોવાથી હાજર રહેલ નથી. જહાંએ ર૦મી સપ્ટેમ્બરે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી હતી કે એમના લગ્નની તપાસ માટે જે એનઆઈએની તપાસનો આદેશ અપાયો છે એ રદ કરવામાં આવે. કેરળ હાઈકોર્ટે પણ લવજેહાદનો કેસ ગણી લગ્ન રદ કરવા આદેશ આપ્યો હતો જેને પણ સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમકોર્ટે ૧૬મી ઓગસ્ટે આ કેસ માટે એનઆઈએને નિવૃત્ત સુપ્રીમકોર્ટના જજ આર.વી.રવીન્દ્રનની નિગરાનીમાં તપાસ કરવા આદેશ આપ્યો હતો. જહાંએ દાવો કર્યો હતો કે કેરળ માનવ અધિકાર પંચને પણ અમુક ફરિયાદો મળી છે જેમાં જણાવેલ છે કે યુવતીને એના પિતા દ્વારા ગોંધી રાખવામાં આવી છે. એમણે કહ્યું કે યુવતીએ લગ્ન પહેલાં ઈસ્લામ ધર્મ સ્વીકાર કર્યો હતો જે માટે એમણે પોતાની મરજીથી નિર્ણય કર્યો હતો. એમને એમની ઈચ્છા વિરૂદ્ધ એમના પિતાએ ઘરમાં રાખી છે જેથી એમના અધિકારોનો ભંગ થાય છે.