લખપતના બીટિયારી તથા સાન્ધ્રો ગામે જત સમાજના લોકોની અથડામણમાં સમાધાન

ભૂજ, તા.૧૯
મુંદ્રા ખાતે હઝરત સૈયદ પીર ઉમરશા બાવા રહમતુલ્લાહ અલયહેના આસ્તાના પાસે ઈદગાહ વાડીમાં અખિલ કચ્છ જિલ્લા જત સમાજ દ્વારા આયોજિત સમાધાન સમારોહમાં લખપતના બીટિયારી અને સાન્ધ્રો ગામના જત સમાજના લોકો વચ્ચે થયેલ જૂથ અથડામણનું સુખદ સમાધાન થયું હતું. બન્ને પક્ષોનો મધ્યસ્થી પંચ દ્વારા લેવાયેલ નિર્ણયને માન્ય રાખવામાં આવ્યો હતો અને સમાજના બહોળા હિતને નજરમાં રાખીને વેરઝેર જતા કર્યા હતા અને અશ્રુભીની આંખે પરસ્પર ભેટી પડ્યા હતા.
ગત તા.૯-૭-૧૭ના લખપત તાલુકાના બીટિયારી અને સાન્ધ્રો ગામના જત લોકો વચ્ચે બબાલ થઈ હતી. જેમાં ૧ વૃદ્ધની હત્યા થઈ હતી. રર જણ ઘાયલ થયા હતા અને ૪૧ જણ જેલ ભેગા થઈ ગયા હતા. જેમાંથી કેટલાક પરિવાર એવા હતા જેના બધા કમાઉ પુરૂષો જેલ ભેગા થઈ ગયા હતા. આ સ્થિતિના કારણે પશુપાલન અને ખેતી પર નભતા પરિવારોનું રોજિંદુ જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. એક તરફ ખેતરો દેખરેખ વગરના રેઢા પડી ગયા હતા. બીજી તરફ ૧૧૦૦ જેટલી ગાય નધણિયાતી થઈ ગઈ છે. આ સમસ્યાઓ ઉપરાંત દવાખાના, પોલીસ સ્ટેશન, કોર્ટ કચેરીના ધક્કા અને ખર્ચાથી અનેક પરિવારો ભારે સંકટમાં મૂકાઈ ગયા હતા.
જેથી અખિલ કચ્છ જિલ્લા જત સમાજના અગ્રણીઓના સતત અથાગ પ્રયત્નોથી બન્ને બાજુના લોકો આખરે એ વાત પર સહમત થયા હતા કે બન્ને પક્ષને માન્ય હોય તેવા પંચની નિમણૂક કરવામાં આવે અને તે પંચ શરીઅતની રોશનીમાં નિર્ણય કરે. આ ફોર્મ્યુલા પર સમાધાનની પ્રક્રિયા ચાલી અને આખરે બન્ને પક્ષકારો દ્વારા નિમાયેલા પંચ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તે બન્ને પક્ષકારોએ માન્ય રાખ્યો હતો.
આ સમાધાન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થતાં અખિલ કચ્છ જિલ્લા જત મલેક સમાજ દ્વારા મુંદ્રા ખાતે તાજેતરમાં એક સમારોહ રાખવામાં આવ્યો હતો. જેની શરૂઆત તિલાવતે કુર્આન મજીદથી મૌલાના અઝીમુદ્દીને કરી હતી. મૌલાના પીર સૈયદ અલી અહમદશા શાહવલી કાદરીએ જણાવ્યું કે, આપ સલ્લલ્લાહો અલયહે વસલ્લમના નિકટના સગાઓને બેરહમીથી કત્લ કરનારાઓને પણ આપે માફી આપી છે. કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય સૈયદ હાજી તકીશા બાવાએ કહ્યું હતું કે, ટેકનોલોજીના આ યુગમાં બાહ્ય શરીરને શુદ્ધ-સ્વચ્છ રાખવાના અનેક પ્રસાધનો બજારમાં ઉપલબ્ધ છે પરંતુ હૃદયની સફાઈ કરનાર યંત્ર હજી શોધાયું નથી. હૃદયની સફાઈ માત્ર અલ્લાહની ઈબાદતથી થાય છે.
અખિલ કચ્છ જિલ્લાના જત સમાજના પ્રમુખ હાજી સલીમ જતે સમાધાનનો સમગ્ર અહેવાલ રજૂ કર્યો હતો. આ સમાધાન માટે છેલ્લા સાત મહિનાથી સમાજના હોદ્દેદારો અને પક્ષકારો દરરોજ ફોન વડે એક-મેકના સંપર્કમાં રહેતા હતા. ભૂજ, દયાપર, બીટિયારી, મુંદ્રા ખાતે અનેક બેઠકો થઈ ત્યારબાદ સુખદ સમાધાન થયું છે. જત સમાજના ઉપપ્રમુખ જત હાજી આમદ અલારખ્યાએ સમાધાનમાં ભાગ ભજવેલ મુસ્લિમ સમાજના તમામ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. મૌલાના જત મોહમ્મદે અંતે દુઆએ ખૈર કરી હતી. બીટિયારી સાન્ધ્રોના પક્ષકારોએ એક-મેકને ભેટી હૃદયપૂર્વક માફી આપી હતી. કાર્યક્રમનું સંચાલન મોયડા ઈમ્તિયાઝ એ કર્યું હતું.
આ પ્રસંગે જુદા જુદા તાલુકાના જત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks