અમદાવાદ, તા.૯
રાજ્યમાં ગત બે ત્રણ દિવસથી તીવ્ર ઠંડીનો ચમકારો રહ્યા બાદ ઠંડીના પ્રમાણમાં હવે ઘટાડો થયો છે. આજે રાજ્યના અનેક સ્થળોએ લઘુતમ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં ગઇકાલના ૧૦.૪ ડિગ્રીની સરખામણીમાં લઘુત્તમ તાપમાન વધીને ૧૪.૬ ડિગ્રી થયું હતું જ્યારે પાટનગર ગાંધીનગરમાં ગઇકાલના ૯.૫ ડિગ્રીની સામે ૧૩.૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું. જો કે, નલિયામાં આજે પારો ગઇકાલની સરખામણીમાં ગગડ્યો હતો અને તાપમાન ૭ ડિગ્રી નોંધાયું હતું. અન્ય મોટાભાગના વિસ્તારોમાં આજે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો જેથી લોકોને તીવ્ર ઠંડીથી રાહત મળી હતી. હાલમાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આની સાથે જ ગરમ વસ્ત્ર બજારમાં પણ જોરદાર તેજી આવી ગઈ છે. રાહતની બાબત એ પણ છે કે, કોલ્ડવેવ માટેની કોઇ ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી નથી. હવામાન વિભાગ તરફથી કોલ્ડવેવની કોઇ આગાહી કરવામાં આવી નથી. આ અંગે મળતી માહિતી અનુસાર, રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો વહેતા શીત પવનોની સાથે કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે રાજયના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન આજે એકાએક વધ્યું હતું. રાજયમાં ઉંમરલાયક વૃધ્ધોની સાથે બાળકો અને શ્વાસને લગતી વિવિધ બીમારીનો શિકાર એવા લોકો માટે ઠંડા પવનોને કારણે મુસીબતમાં વધારો થવા પામ્યો છે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પૂર્વીય અફઘાનિસ્તાનની સાથે પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવા પામ્યુ છે. આ ઉપરાંત ગુજરાત ઉપર અપરએર સાઈકલોનિક સિસ્ટમ સર્જાતા ઠંડીના પ્રમાણમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા વિસ્તારોમાં વસતા લોકોની હાલત સૌથી કફોડી જોવા મળી રહી છે. ઉત્તરાયણ સુધી હજુ ઠંડીનો અનુભવ લોકોને થઇ શકે છે. સામાન્યરીતે નીચલી સપાટી ઉપર હાલ પવન ફુંકાઈ રહ્યા છે. અમદાવાદ આવતીકાલે લઘુત્તમ તાપમાન હજુ વધુ વધીને ૧૫ ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર નહીં થાય
ક્યાં કેટલું તાપમાન
સ્થળ તાપમાન (લઘુત્તમ)
અમદાવાદ ૧૪.૬
ડિસા ૧૦.૩
ગાંધીનગર ૧૩.૫
વડોદરા ૧૪.૪
સુરત ૧૭.૪
વલસાડ ૧૩.૬
અમરેલી ૧૨
ભાવનગર ૧૪.૨
પોરબંદર ૧૩.૮
રાજકોટ ૧૨.૯
સુરેન્દ્રનગર ૧૫
ભુજ ૧૨.૮
નલિયા ૭
કંડલા ૧૩.૫