લાખો મુસ્લિમોને ઇસ્લામના પવિત્ર શહેર મક્કા જતા અટકાવવામાં આવ્યા, જાણો હજ દરમિયાન સઉદીએ કેમ લીધો આ મોટો નિર્ણય

(એજન્સી)                                             તા.૫
સઉદી અરેબિયાએ હજ પરમિટ વિના ૨,૬૯,૬૦૦થી વધુ લોકોને મક્કામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. અધિકારીઓએ રવિવારે (૧ જૂન, ૨૦૨૫) જણાવ્યું હતું કે, અમારૂં લક્ષ્ય હજમાં ભીડ અટકાવવાનું છે. સઉદી અરેબિયાની સરકાર મક્કામાં ભીડ માટે પરમિટ વિના આવતા હજયાત્રીઓને દોષી ઠેરવે છે. તે કહે છે કે, ગયા વર્ષે ઉનાળામાં મૃત્યુ પામેલા લોકોમાં મોટી સંખ્યામાં આવા શ્રદ્ધાળુઓ હતા. જો કે, પરમિટ વિના હજ પર આવતા લોકો માટે ૫૦૦૦ ડૉલર સુધીનો દંડ અને દેશનિકાલ જેવી સજાની જોગવાઈ છે. નિયમો અનુસાર ફક્ત પરમિટ ધરાવતા લોકોને જ હજ કરવાની મંજૂરી છે, ભલે તેઓ આખું વર્ષ મક્કામાં રહેતા હોય. આમાં સઉદી અરેબિયાના નાગરિકો અને રહેવાસીઓનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓએ હજ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ૨૩ હજારથી વધુ સઉદીઓને દંડ ફટકાર્યો છે અને ૪૦૦ હજ કંપનીઓના લાઇસન્સ રદ કર્યા છે. સમાચાર એજન્સી એપી અનુસાર હાલમાં મક્કામાં સત્તાવાર રીતે ૧૪ લાખ મુસ્લિમો છે અને આવનારા દિવસોમાં આ સંખ્યા વધી શકે છે. હજ એ મક્કાની વાર્ષિક ઇસ્લામિક યાત્રા છે અને તેમાં ઘણી ધાર્મિક વિધિઓ સામેલ છે. મુસ્લિમ ધર્મમાં દરેક વ્યક્તિ જે શારીરિક અને આર્થિક રીતે સક્ષમ છે તેના પર હજ કરવાની ફરજ છે. તાજેતરના વર્ષોમાં સઉદીમાં વધતી ગરમીને કારણે હજયાત્રા પ્રભાવિત થઈ છે કારણ કે, યાત્રાળુઓ દિવસના પ્રકાશમાં અને ભારે ગરમીમાં ખુલ્લામાં તેમની ધાર્મિક વિધિઓ કરે છે. હજ દરમિયાન મૃત્યુ સામાન્ય છે કારણ કે, ૨૦ લાખથી વધુ લોકો પાંચ દિવસની યાત્રા માટે સઉદી અરેબિયા જાય છે. આ સમય દરમિયાન ઘણી વખત નાસભાગ જોવા મળી હતી. સઉદી અરેબિયાએ કહ્યું કે, હજ દરમિયાન પહેલીવાર દેખરેખ અને નિરીક્ષણ તેમજ આગ ઓલવવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts