(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૨
ધોરણ ૧૦ની સુરતમાં કુલ ૪૮૩ બિલ્ડિંગોમાં ૫૫૫૩ બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. સવારે સાડા નવ વાગ્યાથી જ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ સ્કૂલો દ્વારા ધોરણ ૧૦ની પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓને સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ગુલાબનું ફૂલ અને લીંબુ શરબત સાથે માથે તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે બોર્ડ પરીક્ષાનું પ્રથમ પેપર હોવાથી વિદ્યાર્થીઓની સાથે વાલીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરતમાંથી રેકોર્ડ બ્રેક ૧.૬૩ લાખ જેટલા ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા માટે નોંધાયા છે. જેમાં ધો.૧૦ના ૯૫,૧૩૬ ધો.૧૨ સામાન્ય પ્રવાહના ૪૩૯૫૯ અને વિજ્ઞાન પ્રવાહના ૨૪૩૫૪ વિદ્યાર્થીઓ મળી રાજ્યમાં સૌથી વધુ ૧.૬૩ લાખ પરીક્ષાર્થીઓ સુરતના નોંધાયા છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે પરીક્ષા કેન્દ્રો ખાતે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન સીસીટીવી રેકોડિંગની સીડી બનાવ્યા બાદ વિવિધ ટીમો અને તજજ્ઞો આગામી દિવસોમાં રેકોડિંગનું નિરીક્ષણ કરશે. શહેરમાં વિવિધ જગ્યાએ યોજાઈ રહેલી પરીક્ષાઓમાં જેલના કેદીઓથી લઈને પ્રજ્ઞાચક્ષુ સ્ટુડન્ટ પણ પરીક્ષા આપી રહ્યાં છે. લાજપોર જેલના ૧૬ કેદીઓ પરીક્ષા આપી રહ્યાં છે. જ્યારે ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલી અંધજન શાળાના ૧૬ જેટલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ પોતાની જ પરીક્ષા કેન્દ્રમાં બોર્ડની પરીક્ષા આપી રહ્યાં છે. ત્યારે કતારગામ વિસ્તારમાં આવેલી ગોધાણી સ્કૂલમાં ૧૨ સાયન્સના પરીક્ષાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા અગાઉ પરંપરાગત સ્વાગતની સાથે રોજે રોજ ચોકલેટ આપવાની અને પરીક્ષા પૂર્ણ થયે સેન્ટર દ્વારા આઈસ્ક્રીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સ્કૂલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.