રાંચી,તા. ૨૪
આરજેડીના વડા લાલૂ યાદવને ઘાસચારા કૌભાંડ સાથે સંબંધિત ચાઈબાસા તિજોરીમાંથી ઉચાપતના કેસમાં આજે પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. લાલૂને આ કૌભાંડમાં સજા પડવાનો સિલસિલો જારી રહ્યો છે. લાલૂ યાદવ હાલ રાંચીની બિરસામુંડા સેન્ટ્રલ જેલમાં છે. છઠ્ઠી જાન્યુઆરીના દિવસે લાલૂને દિયોધર તિજોરીમાંથી ઉચાપતના મામલામાં સજા કરવામાં આવી હતી. લાલૂ યાદવ વર્ષ ૨૦૧૩માં ઘાસચારા કૌભાંડમાં પ્રથમ વખત અપરાધી જાહેર થયા હતા અને પાંચ વર્ષની જેલની સજા કરાઈ હત. લાલૂ અન્ય બે કેસનો સામનો કરી રહ્યા છે જે પૈકી ડોરન્ડા તિજોરીમાંથી ૧૮૪ કરોડ અને ડુમકા તિજોરીમાંથી ૩.૯૭ કરોડ રૂપિયાની ગેરકાયદે ઉચાપત સાથે સંબંધિત કેસ છે.
લાલૂ યાદવને આજે સજા કરવામાં આવ્યા બાદ બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા અને લાલૂના પુત્ર તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશકુમાર અને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. લાલૂ યાદવને ફસાવવામાં તેમની ભૂમિકા રહેલી છે. આરજેડીએ આ ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ખાસ સીબીઆઈ કોર્ટનો ચુકાદો અંતિમ ચુકાદો નથી. અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું અને જો જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરીશું. અત્રે નોંધનીય છે કે, તેજસ્વીએ કહ્યું છે કે, બિહારના તમામ લોકો જાણે છે કે, લાલૂને ફસાવવામાં આવ્યા છે. લાલૂને માત્ર ટાર્ગેટ બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. બિહારના વિકાસના બદલે લાલૂને ફસાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. પ્રજામાં ખુબ જ ગુસ્સો છે. લાલૂ જુદા જુદા કેસોમાં આરોપોનો સામનો કરી રહ્યા છે. ૯૫૦ કરોડ રૂપિયા સાથે સંબંધિત આ કેસ રહેલો છે. બીજી બાજુ જેડીયુ અને ભાજપે આ અંગે ચુકાદાનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે, કોર્ટ પોતાનીરીતે કામ કરી રહ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું કે આ ન્યાયાલયનો નિર્ણય છે. તેમાં સરકાર સામેલ નથી. સરકારને કોઈ લેવા-દેવા નથી. ન્યાય સાથે સમજૂતિ અને વિકાસ સાથે સમજૂતિ નહીં કરીએ.