વધતા જતાં સંઘર્ષને કારણે ચારેય તરફ ભારે તબાહી
(એજન્સી) બૈરૂત,તા.૩૦
ઈઝરાયેલ દ્વારા લેબેનોન પર ભયાનક હવાઈ હુમલા ચાલુ રાખવામાં આવ્યા છે. રવિવારે બે અલગ-અલગ વિસ્તારો પર ઈઝરાયેલના ભયાનક હવાઈ હુમલાથી ૪૫ નાગરિકોનાં મોત થયા છે અને ૭૬ લોકો ઘાયલ થયા છે. લેબેનોનના આરોગ્ય મંત્રાયલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, દક્ષિણ લેબેનોનમાં અનઅલ ડેલ્બ વિસ્તાર તથા બેકા ખીણમાં આવેલા એક ગામ પર ભારે બોમ્બમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે અનઅલ ડેલ્બ વિસ્તારોમાં ૨૪ લોકો માર્યા ગયા હતા અને ૨૯ ઘાયલ થયા હતા. જ્યારે બેકા ઘાટીમાં ઓછામાં ઓછા ૨૧ નાગરિકો મૃત્યુ પામ્યા હતા અને ૪૭ ઘાયલ થયા હતા. છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન ઈઝરાયેલની સેનાએ હવાઈ આક્રમણ વધુ તેજ બનાવી દેતા હજારો નાગરિકો ઘર છોડીને ભાગી રહ્યા છે અનેક બિલ્ડિંગો નાશ પામી છે અને લેબેનોન તથા હિઝબુલ્લાહ જૂથના પાયાના માળખાનો નાશ કરી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં હવાઈ આક્રમણમાં સેંકડો લોકોએ જાન ગુમાવ્યા છે અને બીજા હજારો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ મરનાર નાગરિકોમાં ૧૦૪ બાળકો અને ૧૯૪ મહિલાઓ સામેલ છે. જ્યારે બંડખોર જૂથના ૨૦ લડાકુ પણ માર્યા ગયા છે.