(એજન્સી) દેહરાદૂન, તા.૮
પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કિશોર ઉપાધ્યાયે લોકડાઉનને કારણે મજૂર વર્ગ (સંગઠિત/અસંગઠિત/મનરેગા)માં ફેલાયેલા અસંતોષ તરફ સરકારનું ધ્યાન દોરવા માટે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાંઓ પૂરતા નથી અને તેને કારણે સમાજનો સૌથી મહત્ત્વનો પરંતુ વાણીવિહીન નબળો વર્ગ ભૂખમરાનો સામનો કરે તેવી આશંકાઓ પેદા થઈ રહી છે. સરકારે જો રાહતના માપદંડોમાં સુધારો ન કર્યો તો ભૂખમરાની સ્થિતિ પેદા થઈ જશે અને જો ભૂખને કારણે એક પણ મૃત્યુ થશે તો રાજ્ય પર મોટું કલંક લાગશે. હાલ એક મોતની પુષ્ટિ કરાયા વિનાની સૂચના મળી છે. ઉપાધ્યાયે કહ્યું કે, આ વર્ગની વચ્ચે કાર્ય કરી રહેલા સાથીઓ સાથે ઊંડો વિચાર-વિમર્શ કર્યા બાદ, તેઓ આ સલાહ આપી રહ્યા છે, જેમાં લોકડાઉનને કારણે મોટાભાગના ગરીબો કમાઈ શકતાં નથી. જો ૧૪ એપ્રિલના રોજ લોકડાઉન દૂર પણ થશે તો ત્યારે પણ ઘણાં બધાં લોકો તાત્કાલિક ધોરણે કમાઈ શકશે નહીં. લોકડાઉનને ૧૪ દિવસ થઈ ગયા. લોકોની બચત અને ઘરમાં ભરેલું અનાજ પૂરૂં થઈ રહ્યું છે. આવા દોરમાં લોકો ભોજન ક્યાંથી મેળવશે ? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે રાહત પેકેજ આપ્યું છે. આ પગલાંનું અમે સ્વાગત કરીએ છીએ. પરંતુ આ બંને પેકેજ પૂરતાં નથી. રાજ્ય સરકારે કેટલાંક નોંધણી કરાયેલા મજૂરોને ૧૦૦૦ રૂપિયા આપવાનું આશ્વાસન આપ્યું છે કે, જે બે દિવસના દૈનિક વેતન જેટલા રૂપિયા પણ નથી. કેન્દ્ર સરકારે રેશનિંગ કાર્ડ ધારકોને ૫ કિલો વધારાના ચોખા અથવા લોટ આપવાનું આશ્વાસન આપ્યું છે. આ સકારાત્મક પગલું છે, પરંતુ માનવ શરીરને ઓછામાં ઓછું પોષણ લોટ અથવા ચોખાથી ન મળી શકે. એક પરિવારને એક મહિના માટે માત્ર એક કિલો દાળ જ આપવામાં આવી રહી છે. શાકભાજી, દૂધ, તેલ વગેરે અન્ય સામગ્રી આપવામાં આવી રહી નથી. સરકાર કહી રહી છે કે, જે જરૂરિયાતમંદ છે, તેમને અનાજ આપવામાં આવી રહ્યું છે, પરંતુ આ પ્રક્રિયામાં ઘણી સમસ્યા છે. વહીવટીતંત્રને એ ચકાસણી કરવી પડી રહી છે કે, કોણ જરૂરિયાતમંદ છે અને કોણ નથી ? તેમાં ભરપૂર અનિયમિતતા અને રાજકારણ થઈ રહ્યું છે. દહેરાદૂન અઘોઈવાલા વસ્તીમાં પોલીસે લોકોના રસોડામાં જઈને તપાસ કરી કે, તેમની પાસે કેટલું અનાજ છે. તેમાં પોલીસ અને વહીવટીતંત્રની ભૂલ નથી. પરંતુ આને કારણે વહીવટીતંત્રનો ઘણોખરો સમય વ્યર્થ થઈ રહ્યો છે અને લોકોને પણ અનાજ મળવામાં ખૂબ જ વાર લાગી રહી છે, વિલંબ થઈ રહ્યો છે. આ સમસ્યા વધવાની છે. વહીવટીતંત્ર કેટલા લોકોની ચકાસણી કરીને તેમના સુધી અનાજ પહોંચાડી શકશે. સરકારે ખાસ કરીને શહેરોમાં આંગણવાડીઓ અને સરકારી શાળાઓમાં ભોજનના પેકેટ દિવસમાં બે મફતમાં વહેંચવા જોઈએ. તેથી જેને જરૂર હોય તેને ભોજન મળી શકે. લાઈન પ્રમાણે ભોજન આપવું જોઈએ. ભોજન બનાવવા માટે મજૂરોને રાખી શકાય છે કે, જેથી તેમને રોજગારી મળી શકે. જે લોકો વિકલાંગ અથવા તો બિમાર છે, તેમના માટે ઘર સુધી અનાજ પહોંચાડવામાં આવે. તેનાથી વહીવટીતંત્રનો સમય બચી જશે, સંસાધન પણ નાશ નહીં પામે અને રાજ્યમાં ભૂખમરાની સ્થિતિ પણ પેદા નહીં થાય.