(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.ર૧
ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને અંકલેશ્વરના વતની એવા રાજ્યસભા સાંસદ તેમજ રાષ્ટ્રીય નેતા એહમદ પટેલના જન્મદિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. તા.૨૧ ઓગસ્ટ એટલે રાજ્યસભા સાંસદ એહમદ પટેલનો જન્મદિવસ છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ પ્રસંગે સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અત્યંત સાદગીસભર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન પર આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા અને સાથે જ નગરજનોને સેનિટાઈઝર અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભરૂચ નારી સંરક્ષણ ગૃહ ખાતે મહિલાઓને સૂકો નાસ્તો અને ટ્રોલી બેગનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ એહમદ પટેલના મૂળ વતન એવા અંકલેશ્વરમાં કાર્યરત ભૂખ્યાને ભોજન સેવામાં ગરીબો માટે મીઠાઈ સહિતના સંપૂર્ણ ભોજનની વ્યવસ્થા પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય નેતા અને લોકલાડીલા સાંસદ એવા એહમદભાઈ પટેલનો જન્મદિવસ ભરૂચ જિલ્લાવાસીઓ માટે એક ઉત્સવ બની રહે છે. જો કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાંતિ અને સાદગીપૂર્ણ રીતે જ આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. એહમદભાઈ પટેલ સદાય ભરૂચ જિલ્લાની જનતાની પડખે રહ્યા છે અને ભરૂચ જિલ્લાના વિકાસ માટે તેમણે કરેલા કાર્યો હજુ સુધી પણ લોકોના માનસપટ પર અંકાયેલા છે, તો મહિલા કોંગ્રેસ અગ્રણી ધૃતા રાવલે જણાવ્યું હતું કે, આ કોરોના મહામારીના સમયમાં પણ અંકલેશ્વર-ભરૂચ જિલ્લામાં વસતા પરપ્રાંતિયોને પોતાના વતન જવા માટે અહમદભાઈ પટેલ દ્વારા ટિકિટથી માંડીને તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપકાર જિલ્લાની જનતાથી ભૂલાય એમ નથી તેઓનો જન્મદિવસ છે ત્યારે તેઓના નીરોગી, તંદુરસ્ત આયુષ્ય માટે પ્રાર્થના કરી છે અને ભરૂચ જિલ્લાની જનતા પણ એમને આ પ્રસંગે શુભેચ્છા પાઠવે છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, પૂર્વ પ્રમુખ અને હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેન્દ્રસિંહ રાણા, જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ જશુબેન પઢિયાર, જિલ્લા અગ્રણી મગનભાઈ માસ્તર, વટારિયા સુગરના ચેરમેન સંદીપ માંગરોલા, મહિલા અગ્રણી ધૃતા રાવલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જો કે, સૌએ સામાજિક અંતર જાળવીને આ પ્રસંગની સાદગીસભર ઉજવણી કરી હતી.