*વડાપ્રધાન મોદી માફી માંગે તેવી માગ કરી, આગામી તા.૪થીએ ભાવનગરની મુલાકાત વેળા બંને સમાજના લોકો કાળાવાવટા ફરકાવી વિરોધ કરશે
*વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ વર્ગવિગ્રહની વાત કરે તે કેટલા અંશે વ્યાજબી : નીતિન ઘેલાણી
*વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ કોઈ સમાજમાં રાગદ્વેષ ફેલાવે તે વ્યાજબી નથી : ઘનશ્યામ ગોરસિયા
ભાવનગર, તા.૧
બે દિવસ પૂર્વે ચૂંટણી પ્રચારઅર્થે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાને સંબોધતા પોતાના પ્રવચનમાં ભાવનગર જિલ્લાના કગારિયાધાર તાલુકાના માનગઢ ગામે ૩૦ વર્ષ પૂર્વે ક્ષત્રિય અને પટેલ બંને જૂથો વચ્ચે જુની અદાવતના કારણે થયેલા ધિંગાણામાં ૧૭ જેટલા પાટીદારોના મોત નિપજ્યા હોવાનો ઉલ્લેખ કરી અને આ બહુચર્ચિત હત્યાકાંડને હવા આપતા હોય તે રીતે વડાપ્રધાન મોદીએ પોતાના પ્રવચનમાં આ વાત રજૂ કરતા ક્ષત્રિય અને પાટીદાર બંને સમાજમાં તેના ઘેરા પડઘા પડ્યા છે. જે લોકો આ ઘટનાને ભૂલી ગયા છે અનેબંને સમાજ હળીમળીને રહે છે તેને ઉશ્કેરવાના પ્રયાસ કર્યા હોવાનું જણાવી આજે ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલી ક્ષત્રિય સમાજની બોર્ડિંગમાં ક્ષત્રિય અને પટેલ બંને સમાજના આગેવાનોની એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં માનગઢ હત્યાકાંડના ઉચ્ચારણને બંને સમાજે વખોડી કાઢી મોદી આ બાબતે માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી ઉપરાંત આગામી તા.૪ના રોજ ભાવનગરની મુલાકાતે નરેન્દ્ર મોદી આવવાના હોય તેમની સામે બંને સમાજના લોકો એકત્રિત થઈ કાળા વાવટા બતાવી પોતાનો વિરોધ વ્યક્ત કરશે તેવી આજે જાહેરાત થતા ભાવનગર શહેર જિલ્લાનો માહોલ ગરમાયો છે.
ઉપરાંત આ પત્રકાર પરિષદને સંબોધતા ક્ષત્રિય અને પાટીદાર સમાજના આગેવાનોએ બંને સમાજ સહિતના તમામ જ્ઞાતિ અને સમાજ ભાવનગરમાં એક છે. બંને વચ્ચે એકતા તોડવાના પ્રયાસોને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હાર્દિક પટેલ દ્વારા જે અનામત માટેનું આંદોલન ચાલી રહ્યું છે તેને પણ ક્ષત્રિય અને પાટીદાર સમાજે આજે ખુલ્લો ટેકો આપ્યો હતો અને આગામી ૯ તારીખે યોજાનારી ચૂંટણીમાં બંને સમાજ ભાજપના વિરૂદ્ધમાં મતદાન કરી બંને સમાજની એકતા બતાવી દેશે તેમ પણ આ પત્રકાર પરિષદમાં જણાવાયું હતું.
ભાવનગરના ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ચૂંટણીના પ્રચારઅર્થે પાલીતાણા આવેલા વડાપ્રધાન મોદી દ્વારા જનસભાને સંબોધી માનગઢના હત્યાકાંડ અંગે ઉચ્ચારણો કરતા ગોહિલવાડમાં વસતાં રાજપૂત પાટીદારોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. સાથે આવું નિવેદન કરી ગોહિલવાડમાં વસતા રાજપૂત સમાજ અને પટેલ સમાજ ગઈ ગુજરી ભૂલી પરસ્પર શાંતિથી હળીમળીને પારિવારિક રીતે રહેતા બંને સમાજો વચ્ચે વૈમન્સ્ય પેદા કરી મતનું હીન કક્ષાનું રાજકારણ રમતાં વડાપ્રધાન એ પોતાના પદની ગરીમા પણ ન જાળવી આ પદેથી જાતિગત ઉશ્કેરણી શોભાસ્પદ નથી. તેમજ વધુમાં વાસુદેવ સરવૈયાએ જણાવ્યું હતું કે આજે ક્ષત્રિય અને પટેલ સમાજ બંને એક ભાણામાં જમે છે. બંને સમાજ વચ્ચે પારિવારીક સંબંધો છે તેને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. જુની જે ઘટનાઓ છે તેને યાદ કરી અને જેમાં ઘી નાખી જલવંત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
જ્યારે ભાવનગર જિલ્લા પાસના કન્વિનતર નીતિન ઘેલાણીએ જણાવ્યું હતું કે માનગઢ ઘટનાની યાદ તાજા કરી વડાપ્રધાન મોદી હલકી કક્ષાની વાત કરી છે. તેના ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ સહિતના તમામ સમાજોમાં ઘેરા પડઘા પડ્યા છે. દેશના વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ વર્ગ વિગ્રહની વાત કરે તે કેટલા અંશે વ્યાજબી છે. સરદાર પટેલ યુવા સંગઠનના અગ્રણી ઘનશ્યામભાઈ ગોરસિયાએ રોષ સાથે જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન વેળાએ પાટીદારોને ગોળીએ કોણે દીધા તે પાટીદારો જ જાણે છે. આ વખતે પાટીદારો કોઈ જ્ઞાતિવાદ કે જાતિવાદમાં આવશે નહીં. આ વખતે ભાજપ સામે લડતા પક્ષોને પાટીદારોનો ખુલ્લો ટેકો છે. જ્યારે પાટીદાર સમાજના અગ્રણીય ડો.કાનાણીએ પણ આ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,જે બનાવ ૩૦ વર્ષ પહેલાંનો છે તમામ લોકો તેને ભૂલી ગયા છે. ત્યારપછી આવી દુઃખદ ઘટનાને યાદ કરીને શો ફાયદો દેશના વડાપ્રધાન કક્ષાની વ્યક્તિકોઈ સમાજમાં રાગદ્વેષ ફેલાવે તે વ્યાજબી નથી.
સિહોર તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ કિશોરસિંહ ગોહિલે પણ આ વાતને વખોડી કાઢી હતી.
આ બેઠકમાં ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, કરણી સેનાના પ્રમુખ કાનભા ગોહિલ, રાજપૂત વિદ્યા સંકુલના પ્રમુખ મહિપાલસિંહ ઝાલા, ગોહિલવાડ રાજપૂત સમાજના અગ્રણીય ધરમવીરસિંહ ગોહિલ તેમજ ક્ષત્રિય સમાજની જુદી જુદી સંસ્થા અને મંડળોના અગ્રણીય નેતાઓ તેમજ પાટીદાર સમાજના આગેવાનો ડો.કાનાણી, નીતિન ઘેલાણી, નિલેષ પટેલ, સંજય ડોડા, મુન્નાભાઈ પટેલ, ચેતન રામાણી, ઘનશ્યામ ગોરસિયા, હિતેષ લાઠિયા, રાજુભાઈ તગડી સહિતના આગેવાનો અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.