(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, તા.ર૩
ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા નરેન્દ્ર મોદીએ ગુરૂવારે વલસાડ જિલ્લાના જુજવા ગામે યોજાયેલ એક કાર્યક્રમ દરમ્યાન સાબરકાંઠા જિલ્લામાં અંદાજે રૂા.૬૧.૩૯ કરોડના ખર્ચે બનાવાયેલ પ્રધાનમંત્રી આવાસોનું વીડિયો કોન્ફરન્સથી ઈ-ગૃહપ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે પ્રાંતિજ તાલુકાના સિતવાડા નજીક આવેલ નવાપુરા ગામે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લાભાર્થીઓ સાથે સંવાદ કરીને ખબરઅંતર પૂછયા હતા. આ અંગેની વિગત એવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની એક દિવસની મુલાકાત લઈને વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર ખાતે આવી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. દરમ્યાન વલસાડ જિલ્લાના જુજવા ખાતે યોજાયેલ કાર્યક્રમના સ્થળેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સાબરકાંઠા જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા રૂા.૩૧.૩૯ કરોડના ખર્ચે બનાવાયેલ પ્રધાનમંત્રી આવાસોનું ઈ-ગૃહપ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાંતિજ તાલુકાના સીતવાડા નજીક આવેલ નવાપુરા ગામના ૩ર લાભાર્થીઓ સહિત અન્ય સ્થળેથી ઉપસ્થિત રહેલા ર૩પ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને શૌચાલય બનાવ્યા કે નહીં તેમ પૂછી પરિવારના બાળકો ભણવા જાય છે કે નહીં તેમ ગુજરાતી ભાષામાં ખબરઅંતર પૂછ્યા હતા.