ડીસા, તા.૧૧
ડીસા ખાતે ભાજપના ઉમેદવાર શશીકાંત પંડયાના સમર્થનમાં યોજાયેલી જાહેર સભામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ અને દુનિયામાં હિન્દુત્વનો ડંકો વગાડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ આતંકવાદનું સમર્થન કરી કરી રહી છે. રાહુલ ગાંધી અમેરિકામાં જઈને બોલે છે કે મને હિંદુ સંગઠનો તરફથી ખતરો છે જ્યારે લશ્કર-એ-તોઈબા – જેશ એ મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોથી કોઈ ખતરો નથી. તેમની આ જ નીતિ બતાવે છે કે તેઓ આતંકવાદનું સમર્થન કરી રહ્યા છે. જ્યારે હમણાં હમણાં ગુજરાતમાં રાહુલ ગાંધી તમામ મંદિરોમાં જઈ રહ્યા છે. જ્યારે સોમનાથ મંદિરમાં પ્રવેશના વિવાદ બાદ રાહુલ ગાંધીએ પોતાને જનોઇધારી હિન્દુ છું તેવું જાહેર કર્યું હતું પરંતુ હિન્દુઓ જનોઇધારી કે ટીલાં ટપકાં ધારી એવા કોઈ ભાગ નથી. જેથી રાહુલ ગાંધીએ હવેથી પોતાને જનોઇધારી સાબિત કરી હિન્દુઓમાં પણ ભાગલા પાડવાનું શરૂ કર્યું છે.