વડોદરાના નાગરવાડા વિસ્તારમાં કોરોનાના પાંચ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ

વડોદરા, તા.૮
ગત રવિવારે નાગરવાડા વિસ્તારના ફિરોઝખાન પઠાણનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ માત્ર ત્રણેક દિવસના ગાળામાં આ વિસ્તારમાં કુલ ૯ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. એમાંય મંગળવારે નાગરવાડા વિસ્તારના એક સામટા પાંચ શખ્સો કોરોના પોઝિટિવ જણાઈ આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે લોકલ ટ્રાન્સમિશનનો ખતરો ચિંતાજનક બન્યો છે ત્યારે ભોજન વિતરણની સેવા કરવા જનાર ફિરોજખાન પઠાણની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ના હોવાથી લોકલ ટ્રાન્સમિશનથી કોરોના સંક્રમણ કેવી રીતે લાગ્યું ? એની સઘન તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
શહેરમાં લોકલ ટ્રાન્સમિશન વધતા ખતરાની ઘંટી સાબિત થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. લોકડાઉન દરમિયાન જમવાની સેવા પૂરી પાડનાર નાગરવાડાના ફિરોઝખાન પઠાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તંત્ર એક્શનમાં આવતા તાત્કાલિક નાગરવાડા, સૈયદપુરા વિસ્તારના ૩૦૦૦ ઉપરાંત લોકોને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા. દરમિયાન વિસ્તારમાં રહેતા લોકો અને ફિરોઝના સંપર્કમાં આવેલા લોકોનું માસ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. તેવામાં ફિરોઝના પુત્ર અને તેના પાડોશીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. માસ સ્ક્રીનિંગ દરમિયાન ગઈકાલે સૈયદપુરાના ૨૨ વર્ષીય યુવકનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તકેદારીના ભાગરૂપે નાગરવાડા અને સૈયદપુરા વિસ્તારમાં માસ સેમ્પલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે નાગરવાડા વિસ્તારમાં રહેતા વધુ પાંચ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી શહેરમાં કોરોના પોઝિટિવના કુલ ૧૮ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી ૯ દર્દીઓ માત્ર નાગરવાડા વિસ્તારના છે.
આ અંગે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, અત્યાર સુધીમાં નાગરવાડા અને સૈયદપુરા વિસ્તારમાંથી ર૦૪ સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી અગાઉ ૪ અને હાલના પાંચ મળીને કુલ ૯ સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. આ અસગ્રસ્ત વિસ્તારોમાં આજે વધુ ૩૦૦ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે.
છેલ્લા ૩ દિવસથી તંત્ર દ્વારા નાગરવાડા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરીને માસ સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સેમ્પલ લેવામાં આવી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
નાગરવાડા વિસ્તારના દર્દીઓ, આ દર્દીઓ કોરોના પોઝિટિવ દર્દીના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા હતા
૧. રૂકૈયાબહેન મહંમદભાઈ શેખ (ઉ.વ.૬૦)
૨. મોમામુદ્દા ખલીલહુસૈન શેખ (ઉ.વ.૨૧)
૩. અહેમદહુસૈન મહંમદભાઈ શેખ (ઉ.વ.૪૬)
૪. મોઈનઅલી એચ. મલેક (ઉ.વ.૨૦)
૫. મહંમદ રફીક બાબુખાન પઠાણ (ઉ.વ.૫૭)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks