(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૭
મ્યુનિ.કોર્પોરેશનનાં વોર્ડ નં.૧૧ ની પેટા ચૂંટણી ૮મી જુલાઇ રવિવારનાં રોજ યોજાનાર છે. જેના પગલે મતદાન માટેની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. ૮૪ મતદાન મથકોમાં ૬૮૩૦૦ જેટલા મતદારો આવતીકાલે મતદાન કરશે. મતદાન મથકો પર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અંગે જણાવતા એ.સી.પી. વી.પી. ગામીતે જણાવ્યું હતું કે, કુલ ૨૪ બિલ્ડીંગોમાં ૮૪ મતદાન મથકો પર વોર્ડ નં.૧૧ નાં કાઉન્સીલરને ચૂંટી લાવવા મતદારો મતદાન કરશે. લગભગ ૬૮૩૦૦ ઉપરાંત મતદારો આ ચૂંટણીમાં મતદાન કરશે. સૌથી વધુ મતદાન મથકો ગોત્રી વિસ્તારમાં જ્યારે અન્ય મતદાન મથકો જે.પી. રોડ પોલીસ મથકની હદમાં આવેલા છે. જેના પગલે તમામ ૮૪ મતદાન મથકો પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી બાજ નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ગોત્રી પોલીસની હદમાં ૭ પી.એસ.આઇ. અને ૧૩૫ કોન્સ્ટેબલ તેમજ જે.પી. રોડની હદમાં ૩ પી.એસ.આઇ. અને ૪૮ કોન્સ્ટેબલો ફાળવવામાં આવ્યા છે. પોલીસની ૧૦ જેટલી મોબાઇલ વાન મતદાન દરમ્યાન વોર્ડ નં.૧૧ મત વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરશે તેમજ પોલીસ કમિશ્નર મનોજ શશીધર દ્વારા પોલીસ બંદોબસ્તનું સતત મોનિટરીંગ કરવામાં આવશે. આવતીકાલે સવારથી મતદાન શરૂ થશે અને વિસ્તારનાં નાગરીકો પોતાના વિસ્તારનાં કાઉન્સીલરને ચૂંટી લાવવા મતદાન કરશે. ઉલ્લેખનીય છે કે, વોર્ડ નં.૧૧ ના મહિલા કાઉન્સીલરનું અવસાન થતા આ બેઠક પર પેટા ચૂંટણી કરવામાં આવી રહી છે. જેમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર વચ્ચે રસાકસી ભર્યો જંગ જામે તેવી પુરેપુરી શકયતાઓ છે.