વડોદરામાં અછોડાતોડ ગેંગનો હાહાકાર ચાર સ્થળોએ અછોડા તોડ્યા

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૫
વડોદરા આજે સવારે એક પછી એક સાથે ચાર સ્થળોએ અછોડા તોડ ગેંગે આતંક મચાવી લૂંટ ચલાવતા વડોદરાની સતર્ક અને સક્ષમ પોલીસ દોડતી થઇ હતી.
શહેરના વાડી વિસ્તારમાં આવેલી છેલ્લી પોળમાં રાધાકૃષ્ણ મંદિર આવેલું છે. જ્યાં ૭૫ વર્ષના જયાબેન દવે મંદિરમાં સેવા આપે છે. આજે સવારે તેઓ મંદિરનો કચરો બહાર આવેલી કચરાની ગાડીમાં નાખવા માટે નિકળ્યા હતા. આ સાથે બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમો પૈકી એકે તેઓને મોઢા પર લાફો ઝીંકી સોનાના અછોડાની લૂંટ કરી હતી. જયાબેને તેઓનો વિરોધ કરતા બાઇક સવારે તેઓને લાફા ઝીંક્યા હતા. અને ફરાર થયા હતા. ઘટનાનાં પગલે જયાબેને બુમરાણ મચાવતા સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ વાડી પોલીસને થતા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. અને વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
લૂંટના બીજો બનાવ સીટી પોલીસ મથકની હદમાં કાલપુર વિસ્તારમાં બન્યો હતો. કાલુપુર વિસ્તારમાં આવેલા બ્રાહ્મણ ફળિયામાં ૫૫ વર્ષના ઇલાબેન પ્રજાપતિ રહે છે. આજે સવારે તેઓ મકાનનાં ઓટલા પર બેઠા હતા. તે સમયે બાઇક પર આવેલા બે પૈકીના એક ઇસમે તેઓને સરનામું પુુછયું હતું અને જોત જોતામાં તેઓનાં ગળામાં પહેરેલ દોઢથી બે તોલાનું મંગળસૂત્ર તોડી ફરાર થયો હતો.
બનાવને પગલે સીટી પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. આ સિવાય શહેરના મકરપુરા પોલીસ મથકની હદમાં આવતા તરસાલી તથા હરણી રોડ પર આવેલી પીએન્ડટી કોલોની નજીકની ગીતાપાર્ક સોસાયટી પાસેથી પણ અછોડાની લૂંટ થઇ હોવાની માહિતી મળી છે.
થોડાક સમયમાં એક પછી એક એમ ચાર સ્થળોએ અછોડા લૂંટવાની ઘટનાથી પોલીસ વિભાગ દોડતું થયું હતું. અને ઠેર ઠેર નાકાબંધી કરી હતી. પોલીસે વિવિધ વિસ્તારોમાંથી સીસીટીવી ફૂટેજ મેવી ફરાર લૂંટારૂઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts