(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૩
નવી જિલ્લા કોર્ટમાં બેઠક વ્યવસ્થાને લઇને છેલ્લાં ૫ દિવસથી ચાલી રહેલી વકીલોની હડતાળને આજે અંત આવ્યો હતો. આમરણાંત ઉપવાસ પર બેઠેલા વકીલોએ પારણાં કર્યા હતા. સોમવારથી વકીલો ઘરેથી પાથરણા લઇને આવશે અને તેની ઉપર બેસી પ્રેકટીસ કરશે.
વડોદરાનાં વકીલો રૂા.૧૩૦ કરોડ ઉપરાંતનાં ખર્ચે નવી જિલ્લા કોર્ટમાં બેઠક વ્યવસ્થાને લઇને ગત સોમવારનાં રોજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા હતા. પાંચ દિવસથી વકીલો આમરણાંત ઉપવાસ પણ કરી રહ્યાં હતા. જેમાં કેટલાક વકીલોની તબિયત પણ લથડી હતી. છેલ્લાં ૫ દિવસથી વકીલો પોતાની માંગણીઓને લઇને વિવિધ દેખાવો કરી વિરોધ નોંધાવી રહ્યાં હતા. દરમ્યાન આજે વડોદરા વકીલ મંડળની બેઠક મળી હતી. જેમાં વકીલોની લથડી રહેલી તબિયતને કારણે આમરણાંત ઉપવાસ આંદોલન સમિતિ લેવાનો નિર્ણય લેવાયો હતો. જેથી ઉપવાસ પર બેઠેલા વકીલોએ પારણાં કરી ઉપવાસ પૂર્ણ કર્યું હતું. વકીલની હડતાળ સમેટી લેવાતા સોમવારથી કોર્ટ કાર્યવાહી શરૂ થશે. જોકે, પુરતા ટેબલ ન હોવાથી વકીલો ઘરેથી પાથરણા લઇને આવશે. જેની ઉપર બેસીને પ્રેકટીસ કરશે.
વકીલોની આજે મળેલી એ.જી.એમ.નાં હાઇકોર્ટનાં બે વકીલ સહિત પાંચ વકીલોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં એક મહિલા વકીલનો પણ સમાવેશ કરાયો છે. વડોદરા વકીલ મંડળ સોમવારે સત્તાવાર ઠરાવ કરશે અને આ ઠરાવ પાંચ સભ્યોની કમિટીને આપશે. જે કમિટી ઠરાવ હાઇકોર્ટને સોંપશે.